20 December, 2022 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી વાગડ કલા કેન્દ્રએ સમાજની ઇન્ટરનૅશનલ ક્રિકેટર હર્લી ગાલાનું કર્યું ભવ્ય સન્માન
‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની સુપરસ્ટાર ઑલરાઉન્ડર અને વાગડ સમાજની હર્લી ગાલા આ મહિને સાઉથ આફ્રિકામાં રમાનારી ટી૨૦ સિરીઝ માટેની તેમ જ એ પછી પહેલી જ વાર રમાનારા ટી૨૦ ગર્લ્સ અન્ડર-19 વર્લ્ડ કપ માટેની ભારતની ટીમમાં સિલેક્ટ થઈ એ ગૌરવપૂર્ણ પ્રસંગે શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા તાજેતરમાં ખાર-વેસ્ટની પ્યુપિલ્સ હાઈ સ્કૂલના હૉલમાં હર્લીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ભાવિકાબહેન તન્મય ગાલાની પુત્રી હર્લીને આ અપ્રતિમ સિદ્ધિ બદલ અભિનંદન તથા આશીર્વાદ અને શુભેચ્છા આપવા જાણે આખો વાગડ સમાજ ઊમટી પડ્યો હતો. ખાસ કરીને વાગડ સમાજના અગ્રણીઓ, સમાજના અનેક ક્રિકેટપ્રેમીઓ તેમ જ હર્લીના તમામ પરિવારજનો આ સમારોહમાં ઉપસ્થિત હતા. મૂળ કચ્છના ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ-ક્રિકેટર જયંતીલાલ કેનિયા, ભારતીય વિમેન્સ ટીમની પ્લેયર જેમાઇમા રૉડ્રિગ્સ, તેના પિતા અને હર્લીના કોચ ઇવાન રૉડ્રિગ્સ અને તેમનાં પત્ની લવિતા રૉડ્રિગ્સ, વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનના પ્રમુખ ડૉ. નાગજીભાઈ રીટા તથા કૉર્નિયોગ્રાફીના ડૉ. જતીન આસર પણ હર્લીને આશીર્વાદ અને શુભેચ્છા આપવા આવ્યાં હતાં. સમારોહમાં ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં હર્લીની અત્યાર સુધીની ક્રિકેટ-સફરની ઝલક બતાવાઈ હતી અને ત્યાર બાદ શ્રી વાગડ કલા કેન્દ્રના પ્રમુખ જગશીભાઈ દેઢિયાએ સ્વાગત-પ્રવચન કર્યું હતું અને શ્રી વાગડ કલા કેન્દ્રના ટ્રસ્ટી તથા ક્રિકેટ કમિટીના ચૅરમૅન દામજીભાઈ ભોજરાજ બુરીચાએ હર્લીની અત્યાર સુધીની ક્રિકેટ-સફરનું સુંદર વર્ણન કર્યું હતું. સમાજના બન્ને અગ્રણીઓ તેમ જ જયંતીલાલ કેનિયાના હસ્તે હર્લીનું મેમેન્ટો, મેડલ આપીને તથા પાઘડી પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું. હર્લીએ પોતાના સન્માનના જવાબમાં કહ્યું કે ‘ઝિંદગી મેં અસલી ઉડાન અભી બાકી હૈ, કરને કો બહોત કુછ અભી તો બાકી હૈ, માપી હૈ સિર્ફ મુઠ્ઠીભર જમીન હમને, પૂરા આસમાન છૂના અભી બાકી હૈ.’