નિધન પહેલાં હોટેલરૂમમાં દારૂ પીતો હતો શેન વૉર્ન?

06 March, 2022 01:58 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ક્રિકેટરના મૅનેજરે જણાવ્યા પ્રમાણે રિસૉર્ટમાં તે પાકિસ્તાન-ઑસ્ટ્રેલિયાની મૅચ જોતો હતો

નિધન પહેલાં હોટેલરૂમમાં દારૂ પીતો હતો શેન વૉર્ન?

થાઇલૅન્ડની એક હોટેલમાં શંકાસ્પદ હાર્ટ-અટૅકમાં મૃત્યુ પામેલો ભૂતપૂર્વ સ્પિનર મિત્રો સાથે એક મીટિંગ પહેલાં ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મૅચ જોઈ રહ્યો હતો ત્યારે તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. તેના બિઝનેસ મૅનેજરે તેને બચાવવા માટે ૨૦ મિનિટ સુધી સીપીઆર આપ્યો હતો. વૉર્નના મૅનેજરે કહ્યું હતું કે તેના મિત્ર તેમ જ ડૉક્યુમેન્ટરીના પ્રોડ્યુસરે તેને હોટેલરૂમમાં જોયો ત્યારે તે દારૂ નહોતો પી રહ્યો. તેઓ બન્ને ડિનર પર જવાના હતા. 
ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટ જોતાં-જોતાં જ તે બેભાન થઈ ગયો હતો. થાઇલૅન્ડના કોહ સમુઈમાં આવેલા એક રિસૉર્ટમાં તે રજા માણી રહ્યો હતો. તેને બેભાન થયેલો જોયા બાદ મૅનેજરે તેને મોઢા વડે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ પણ આપી જોયો હતો. ૨૦ મિનિટ બાદ ઍમ્બ્યુલન્સ આવી હતી અને એક કલાક બાદ તેને થાઇ ઇન્ટરનૅશનલ હૉસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૅનેજરે જણાવ્યા પ્રમાણે તે ડાયેટિંગ પર હોવાને કારણે દારૂ નહોતો પીતો અને પોતાનું વજન ઓછું કરવાનો પ્રયત્ન કરતો હતો.  
દરમ્યાન થાઇલૅન્ડની પોલીસ વૉર્ન જે રૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો એ રૂમની ચકાસણી માટે ફૉરેન્સિક ટીમને લઈ ગઈ હતી અને વૉર્ન ડિનર માટે ન આવતાં તેની રૂમમાં ગયેલા તેના મિત્રની પણ પૂછપરછ કરી હતી. કોહ સમુઈની હૉસ્પિટલમાં વૉનની બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી હતી. 
મેલબર્નમાં આવેલા એમસીજી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૉર્નની પ્રતિમા પાસે તેના પ્રશંસકોએ ફોટો અને બિયરની બૉટલો મૂકી હતી હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ મૃત્યુ થયું હતું થાઇ ઇન્ટરનૅશનલ હૉસ્પિટલના ડિરેક્ટરના મતે હૉસ્પિટલ લાવતાં પહેલાં જ શેન વૉર્નનું મૃત્યુ થઈ ગયું હતું. હૉસ્પિટલમાં પણ તેને ૪૫ મિનિટ સુધી સીપીઆર (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન) આપવામાં આવ્યો હતો. હૉસ્પિટલને બપોરે ૪.૪૦ વાગ્યે ફોન આવ્યો હતો અને સ્ટાફ પાંચ વાગ્યે વિલામાં પહોંચ્યો હતો અને ત્યાં પણ તેને સીપીઆર આપ્યો હતો. 

રાજકીય સન્માન સાથે થશે શેન વૉર્નના અંતિમ સંસ્કાર

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસને ગઈ કાલે ઘોષણા કરી હતી કે શેન વૉર્નના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે થશે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક સ્ટૅન્ડને તેનું નામ આપશે. એમસીજીમાં જ વૉર્ને ૭૦૦મી વિકેટ લીધી હતી અને ઍશિઝમાં હૅટ-ટ્રિક પણ આ જ મેદાનમાં લીધી હતી. મેદાનની બહાર મૂકવામાં આવેલી વૉર્નની પ્રતિમા પાસે લોકો ભેગા થયા હતા અને ત્યાં તેમણે ફૂલ, ક્રિકેટ બૉલ, બિયરની બૉટલ તથા સિગારેટ મૂકીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.

cricket news sports sports news shane warne australia