29 September, 2024 08:09 AM IST | lucknow | Gujarati Mid-day Correspondent
મુશીર ખાન
મુંબઈના ઑલરાઉન્ડર મુશીર ખાનને ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં લખનઉ નજીક કાર-ઍક્સિડન્ટનો સામનો કરવો પડ્યો છે. પહેલી ઑક્ટોબરથી શરૂ થતી ઈરાની કપ ટ્રોફીમાં મુંબઈની સ્ક્વૉડમાં સામેલ આ ટૉપ ઑર્ડર બૅટર અને લેફ્ટ આર્મ સ્પિનર આઝમગઢથી લખનઉ જઈ રહ્યો હતો ત્યારે તેની કાર ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી થઈ ગઈ હતી.
૧૯ વર્ષના ક્રિકેટરને લખનઉની મેદાન્તા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાંથી તેને ગળામાં ફ્રૅક્ચર હોવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે તેના પપ્પા નૌશાદ ખાન પણ હતા જેમને પૂર્વાંચલ એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં નાની ઈજાઓ થઈ છે.
ગળાની ઈજાને કારણે ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનનો આ નાનો ભાઈ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે ક્રિકેટથી દૂર રહે એવી શક્યતા છે. તે આગામી ઈરાની કપ અને રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ સીઝનની શરૂઆતમાં મુંબઈની ટીમનો ભાગ બની શકશે નહીં. મુંબઈ ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ બોર્ડ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.