16 September, 2024 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરફરાઝ ખાન અને રોહિત શર્મા
મુંબઈના ૨૬ વર્ષના ક્રિકેટર સરફરાઝ ખાને જિયો સિનેમા પર રોહિત શર્માનાં ખૂબ વખાણ કરતાં કહ્યું હતું કે ‘મારી પ્રિય ફિલ્મ લગાન છે અને જે રીતે આમિર ખાને એમાં ટીમ બનાવી છે, જ્યારે હું રોહિતભાઈને જોઉં છું ત્યારે મારા માટે તે આમિર ખાન છે. તેમની સાથે પરિવાર જેવો અનુભવ થાય છે. રોહિતભાઈ ખૂબ જ અલગ છે, અમને ખૂબ જ આરામદાયક લાગે છે. તેઓ મોટા ભાઈ જેવા છે. તેમની સાથે રમવાની અને તેમને જોવાની ખૂબ મજા આવે છે. એવું નથી લાગતું કે તમે જુનિયર છો. જ્યારે સિનિયર ખેલાડીઓ તમને હિંમત આપે છે ત્યારે તમારો આત્મવિશ્વાસ પણ વધે છે.’
બંગલાદેશ સામેની ટેસ્ટ-સ્ક્વૉડમાં સામેલ સરફરાઝ ખાને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાકેદાર રમતનું પ્રદર્શન કર્યું હતું જેને કારણે તેને ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ભારત માટે ડેબ્યુ કરવાની તક મળી હતી. એ સમયે ત્રણ ટેસ્ટ-મૅચમાં ત્રણ ફિફ્ટી ફટકારનાર સરફરાઝ ખાન હવે બંગલાદેશ સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં ધમાલ મચાવવા તૈયાર છે.
ચેન્નઈ પહોંચી બંગલાદેશ ટીમ
પાકિસ્તાન સામે ૨-૦થી ટેસ્ટ-સિરીઝ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર બંગલાદેશની ટીમ ગઈ કાલે ચેન્નઈ પહોંચી હતી. બે ટેસ્ટ-મૅચ અને ત્રણ T20 મૅચની સિરીઝ માટે કૅપ્ટન નઝમુલ હસન શાંતોએ ટીમ તરફથી સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. ચેપૉક સ્ટેડિયમમાં ૧૯ સપ્ટેમ્બરથી ભારત-બંગલાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ-મૅચ શરૂ થશે.