27 August, 2024 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય પુરુષ ટીમના ભૂતપૂર્વ બૅટિંગ-કોચ સંજય બાંગરે હાલમાં વર્તમાન ક્રિકેટરોમાં તેની વર્લ્ડ ટેસ્ટ ઇલેવનની પસંદગી કરી છે. એક પૉડકાસ્ટ દરમ્યાન પસંદ કરેલી આ ટીમમાં તેણે ૭ ભારતીયોને જગ્યા આપી હતી; જેમાં ડેવિડ વૉર્નર, રોહિત શર્મા, કેન વિલિયમસન, વિરાટ કોહલી અને રિષભ પંતને બૅટિંગ-યુનિટમાં જગ્યા આપી હતી. ઑલરાઉન્ડ વિભાગમાં તેણે બેન સ્ટોક્સ સાથે બે સ્પિન બોલર રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને સિલેક્ટ કર્યા છે. ત્રણ ફાસ્ટ બોલરમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને જોશ હેઝલવુડને સ્થાન આપ્યું છે.
વિરાટની કૅપ્ટન્સી વિશે શું કહ્યું?
આ જનરેશનમાં ટૉપ બૅટરના લિસ્ટમાં સંજય બાંગરે રોહિત શર્મા, વિરાટ કોહલી, જો રૂટ, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસનનાં નામનો ઉલ્લેખ કર્યો હતો. ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મને અંગત રીતે લાગે છે કે વિરાટ કોહલીએ લાંબા સમય સુધી ટેસ્ટટીમનું નેતૃત્વ કરવું જોઈએ. તેણે ૬૫થી વધુ ટેસ્ટમૅચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. હું માનું છું કે તે આ ભૂમિકા આગળ પણ ચાલુ રાખી શકે છે.’
રોહિત બની શકે છે IPLનો મોંઘો ખેલાડી
પંજાબ કિંગ્સના ભૂતપૂર્વ કોચ અને હાલમાં આ ફ્રૅન્ચાઇઝીના હેડ ઑફ ક્રિકેટ ડેવલપમેન્ટ - મહારાષ્ટ્રના સંજય બાંગરે કહ્યું હતું કે ‘જો રોહિત શર્મા IPLના મેગા ઑક્શનમાં આવશે તો તે મોટી કિંમત મેળવશે. જો અમારી પાસે યોગ્ય બજેટ હશે તો અમે તેને જરૂર ખરીદીશું.’
સંજય બાંગર ૨૦૦૧થી ૨૦૦૪ વચ્ચે ભારત માટે ૧૨ ટેસ્ટ અને ૧૫ વન-ડે રમી ચૂક્યો છે.