કોહલી મારા માટે આદર્શ છે, તેની સામે રમવું સન્માનની વાત છે : સૅમ કૉન્સ્ટસ

09 January, 2025 09:08 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

આખરે જસપ્રીત બુમરાહ સાથેના વિવાદમાં પણ પોતાની ભૂલ સ્વીકારી સૅમ કૉન્સ્ટસે

સૅમ કૉન્સ્ટસ

ઑસ્ટ્રેલિયાના યુવા બૅટ્સમૅન સૅમ કૉન્સ્ટસે બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી સાથેની ટક્કર પર મોટું નિવેદન આપ્યું છે.

પોતાના બાળપણના હીરો કોહલી વિશે વાત કરતાં તે કહે છે કે ‘મેં મૅચ પછી તેની સાથે વાત કરી અને કહ્યું કે તે મારો આદર્શ છે અને તેની સામે રમવું સન્માનની વાત છે. જ્યારે તે ક્રીઝ પર હતો ત્યારે હું વિચારતો હતો કે વાહ, વિરાટ કોહલી બૅટિંગ કરી રહ્યો છે. તેનું વ્યક્તિત્વ આવું છે. તમામ ભારતીય ફૅન્સ તેનું નામ જોરથી બોલતા રહે છે. એ એક સ્વપ્ન જેવું હતું. વિરાટ ખૂબ જ નમ્ર છે, તેણે મને ભવિષ્ય માટે પણ શુભકામનાઓ પાઠવી છે. મારો આખો પરિવાર વિરાટને પ્રેમ કરે છે. નાનપણથી જ હું તેને આદર્શ માનું છું અને તે એક લેજન્ડ છે.’

આખરે જસપ્રીત બુમરાહ સાથેના વિવાદમાં પણ પોતાની ભૂલ સ્વીકારી સૅમ કૉન્સ્ટસે

સિડની ટેસ્ટ-મૅચના પહેલા દિવસના અંતિમ સેશનમાં સૅમ કૉન્સ્ટસ અને જસપ્રીત બુમરાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિશે વાત કરતાં તે કહે છે કે ‘મને સ્પર્ધા કરવી ગમે છે અને હું હંમેશાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગું છું. મને લાગે છે કે એ મારા માટે એક પાઠ હતો. હું થોડો સમય બગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી તે બીજી ઓવર ફેંકી ન શકે, પરંતુ બુમરાહને અંતે સફળતા મળી. તે એક શાનદાર બોલર છે અને તેણે સિરીઝમાં ૩૨ વિકેટ લીધી છે. જો આવી ઘટના ફરીથી બનશે તો હું કદાચ કંઈ કહીશ નહીં.’

virat kohli australia cricket news sports sports news