સલીમ દુરાની ‘ઑન ડિમાન્ડ’ સિક્સર ફટકારવા માટે જાણીતા હતા!

03 April, 2023 10:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ-ફૅન્સના લાડકવાયા લેફ્ટ-હૅન્ડ બૅટર અને સ્પિનર ૮૮ વર્ષના હતા ઃ આ સ્ટાઇલિશ ક્રિકેટરની ફિલ્મી-કરીઅર બે જ મૂવી સુધી મર્યાદિત રહી

સલીમ દુરાની

ફિલ્મના હૅન્ડસમ ઍક્ટર જેવો લુક અને પર્સનાલિટી ધરાવતા અને ૧૯૬૦ તથા ૧૯૭૦ના દાયકાના લાડલા ભારતીય ક્રિકેટર સલીમ દુરાનીનું ગઈ કાલે જામનગરમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. ક્રિકેટ વિશે બહુ સારી સમજબૂઝ ધરાવતા તેમ જ રમૂજી સ્વભાવના દુરાનીસાહેબ જે સ્ટૅન્ડમાંથી પ્રેક્ષકોની ‘સિક્સર... સિક્સર...’ની માગણી ઊઠતી એ તરફ ‘ઑન ડિમાન્ડ’ સિક્સર ફટકારવા માટે જાણીતા હતા.

અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા સલીમ દુરાની વર્ષોથી જામનગરમાં રહેતા હતા. તેઓ ૮૮ વર્ષના હતા અને નાના ભાઈ જહાંગીર દુરાની સાથે રહેતા હતા. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ સલીમ દુરાની જાન્યુઆરીમાં પડી જતાં તેમની સાથળમાં ફ્રૅક્ચર થયું હતું, જેને પગલે તેમણે પ્રૉક્સિમલ ફેમોરલ નેઇલ (પીએફએન) સર્જરી કરાવી હતી.

અર્જુન અવૉર્ડ મેળવનારા પ્રથમ ક્રિકેટર દુરાની અગ્રેસિવ માઇન્ડસેટ ધરાવનાર લેફ્ટ-હૅન્ડ બૅટર અને લેફ્ટ-આર્મ સ્પિનર હતા. તેઓ બૅટિંગમાં લેફ્ટી હતા એટલે કુદરતી રીતે સ્ટાઇલિશ તો હતા જ અને એવામાં તેઓ સિક્સર ફટકારવા માટે ફેમસ હતા એટલે ચાહકોના દિલોદિમાગમાં અનોખું સ્થાન ધરાવતા હતા. દુરાનીને ૨૦૧૧માં બીસીસીઆઇએ સી. કે. નાયુડુ લાઇફટાઇમ અચિવમેન્ટ અવૉર્ડથી નવાજ્યા હતા.

બ્રેબર્નમાં ડેબ્યુ, ત્યાં જ છેલ્લી ટેસ્ટ

ગુંડપ્પા વિશ્વનાથ સાથે સલીમ દુરાની.

ભારતીય ક્રિકેટના લેજન્ડ્સમાં ગણાતા સલીમ દુરાનીએ જાન્યુઆરી ૧૯૬૦માં બ્રેબર્ન સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં રમીને ટેસ્ટ-ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. વિકેટકીપર બુધી કુંદરનની પણ એ પહેલી જ ટેસ્ટ હતી. જી. રામચંદના સુકાનમાં રમેલી ભારતીય ટીમની રિચી બેનૉની ટીમ સામેની એ મૅચ ડ્રૉમાં પરિણમી હતી. દુરાનીએ એમાં પ્રથમ દાવમાં ૧૮ રન કર્યા હતા અને બેનૉએ તેમની વિકેટ લીધી હતી. ફેબ્રુઆરી ૧૯૭૩માં દુરાની બ્રેબર્નમાં ઇંગ્લૅન્ડ સામે જે ટેસ્ટ રમ્યા એ તેમની આખરી ટેસ્ટ હતી. એમાં પ્રથમ દાવમાં તેમણે ૭૩ રન અને બીજા દાવમાં ૩૭ રન બનાવ્યા હતા. એ ટેસ્ટ પણ ડ્રૉમાં ગઈ હતી, પરંતુ અજિત વાડેકરના સુકાનમાં ભારતે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.

દુરાની ડ્રૉપ થતાં પ્રેક્ષકોનું આંદોલન

ઊંચા કદના સલીમ દુરાનીનો પ્રેક્ષકો સાથે જાણે સાવ અલગ અને અનોખો નાતો હતો. ૧૯૭૩માં ઇંગ્લૅન્ડ સામેની કાનપુર ટેસ્ટ માટેની ટીમમાં સલીમ દુરાનીને કોઈ સ્પષ્ટ કારણ બતાવ્યા વિના સ્થાન ન આપવામાં આવતાં તેમના ચાહકો આંદોલન પર ઊતરી ગયા હતા. તેમના ચાહકો સ્ટેડિયમમાં ‘નો દુરાની, નો ટેસ્ટ’નાં સ્લોગનવાળાં બૅનર સાથે આવ્યાં હતાં.

કાબુલમાં જન્મ, જામનગરમાં અંતિમ વિદાય

પૂરું નામ : સલીમ અઝીઝ દુરાની
જન્મ : કાબુલ (અફઘાનિસ્તાન), ૧૧ ડિસેમ્બર ૧૯૩૪
અવસાન : જામનગર, ૨ એપ્રિલ ૨૦૨૩ (ઉંમર : ૮૮ વર્ષ)
બૅટિંગ સ્ટાઇલ : લેફ્ટ-હૅન્ડ બૅટ
બોલિંગ સ્ટાઇલ : સ્લો લેફ્ટ-આર્મ ઑર્થોડૉક્સ
પ્લેઇંગ રોલ : ઑલરાઉન્ડર
કઈ ટીમો વતી રમ્યા : ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન
પ્રથમ ટેસ્ટ : ૧૯૬૦માં મુંબઈમાં ઑસ્ટ્રેલિયા સામે
અંતિમ ટેસ્ટ : ૧૯૭૩માં મુંબઈમાં ઇંગ્લૅન્ડ સામે
ટેસ્ટ પર્ફોર્મન્સ : મૅચ-૨૯, ઇનિંગ્સ-૫૦, નૉટઆઉટ-૨, રન-૧૨૦૨, હાઇએસ્ટ-૧૦૪, બૅટિંગ ઍવરેજ-૨૫.૦૪, સેન્ચુરી-૧, હાફ-સેન્ચુરી-૭, સિક્સર-૧૫, કૅચ-૧૪.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ : ૧૭૦ મૅચમાં ૧૪ સેન્ચુરી, ૪૫ હાફ-સેન્ચુરી અને ૩૩.૩૭ની બૅટિંગ-સરેરાશે કુલ ૮૫૪૫ રન અને ૧૪૪ કૅચ.

થોડાં વર્ષો પહેલાં બ્રેબર્ન સ્ટેડિયમના એક સમારોહમાં પ્રસન્ના, ચંદ્રશેખર, બેદી સાથે સલીમ દુરાની.

સર્વશ્રેષ્ઠ અને યાદગાર ટેસ્ટ-પર્ફોર્મન્સિસ

(૧) ડિસેમ્બર, ૧૯૬૧માં કલકત્તામાં નરી કૉન્ટ્રૅક્ટરની કૅપ્ટન્સીમાં રમીને સલીમ દુરાનીએ પહેલા દાવમાં ૪૩ રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડની ૪૭ રનમાં પાંચ વિકેટ અને બીજા દાવમાં ૬૬ રનમાં ત્રણ વિકેટ લઈને ભારતને જિતાડ્યું. ભારતે ટેડ ડેક્ષટરની બ્રિટિશ ટીમને ૧૮૭ રનના તોતિંગ ટાર્ગેટથી હરાવી દીધી. દુરાનીની એ પાંચમી જ ટેસ્ટ હતી.

(૨) જાન્યુઆરી, ૧૯૬૧માં મદ્રાસ (ચેન્નઈ) નરી કૉન્ટ્રૅક્ટરની કૅપ્ટન્સીમાં રમીને સલીમ દુરાનીએ પહેલા દાવમાં ૨૧ રન બનાવ્યા તથા ૧૦૫ રનમાં છ વિકેટ અને બીજા દાવમાં ૭૨ રનમાં ચાર વિકેટ લીધી હતી. કેન બૅરિંગ્ટન અને માઇક સ્મિથ અને પીટર પારફિટ તેમના મુખ્ય શિકાર હતા. દુરાનીના બોલિંગ પર્ફોર્મન્સથી ભારતે એ ટેસ્ટ પણ જીતી લીધી હતી અને સિરીઝમાં ૨-૦થી યાદગાર વિજય મેળવ્યો હતો.

(૩) માર્ચ, ૧૯૭૧માં પોર્ટ ઑફ સ્પેનમાં ગૅરી સોબર્સની વેસ્ટ ઇન્ડિયન ટીમ સામે અજિત વાડેકરના નેતૃત્વમાં ભારતે પ્રથમ દાવમાં ૧૩૮ રનની લીડ લીધી હતી. ઑફ સ્પિનર જૅક નોરિગા પ્રથમ દાવમાં ભારતની ૯ વિકેટ લઈને છવાઈ ગયા હતા, પરંતુ બીજા દાવમાં સલીમ દુરાનીએ ક્લાઇવ લૉઇડ (૧૫ રન)ને અને પછી કૅપ્ટન ગૅરી સોબર્સને ઝીરો પર આઉટ કરીને બાજી ભારતની તરફેણમાં લાવી દીધી હતી. એસ. વેન્કટરાઘવને એ દાવમાં પાંચ વિકેટ લીધી હતી. ભારતે ૩ વિકેટે ૧૨૫ રનનો ટાર્ગેટ મેળવીને એ ટેસ્ટ જીતી લીધી હતી. સુનીલ ગાવસકરની એ યાદગાર ટેસ્ટ-ડેબ્યુ સિરીઝમાં દુરાનીએ પોર્ટ ઑફ સ્પેનની ટેસ્ટમાં લૉઇડ અને સોબર્સની સસ્તામાં વિકેટ લઈને ભારતે ત્યારે વેસ્ટ ઇન્ડીઝમાં સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.  દુરાનીની ત્યારે ૧૭ ઓવરમાં ૮ મેઇડન બાદ માત્ર ૨૧ રન બન્યા હતા.

sports news sports indian cricket team cricket news test cricket