સચિનના બાઉન્સરમાં જ્યારે દિલ્હીના બન્ટુ સિંહનું નાક તૂટેલું!

24 April, 2023 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિને એ રાતે બન્ટુના પપ્પા સાથે ફોન પર વાત કરીને બન્ટુના ખબરઅંતર પૂછ્યા હતા.

બન્ટુ સિંહ અને સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકરના રાઇટ-આર્મ ઑફબ્રેક અને લેગબ્રેક ગૂગલીથી આખી દુનિયા પરિચિત છે, પણ તેની સીમ બોલિંગ વિશે ઘણાને ખબર નહીં હોય. તેના એક સીમ-અપ બૉલમાં વર્ષો પહેલાં રણજી ટ્રોફી મૅચમાં દિલ્હીના બન્ટુ સિંહને નાક પર બૉલ વાગ્યો હતો એની વાત ખુદ બન્ટુ સિંહે ગઈ કાલે પી.ટી.આઇ.ને સચિનના આજના ૫૦મા જન્મદિન નિમિત્તે આપેલા ઇન્ટરવ્યુમાં કરી હતી.
સીમ-અપ ડિલિવરી એવો વર્ટિકલ સીમ છે જે બોલરની આવડત પ્રમાણે બન્ને બાજુએ મૂવ થઈ શકે છે. મોહમ્મદ શમી સીમ-અપ બૉલ ફેંકવા માટે જાણીતો છે.

૧૯૮૦-’૯૦ના દાયકાના દિલ્હીના આધારસ્તંભ સમાન બૅટર બન્ટુ સિંહે પી.ટી.આઇ.ને ૧૯૯૧ની ઘટના વિશે (૩૨ વર્ષ પહેલાંના સચિનના બાઉન્સરની વાત કરતાં) કહ્યું કે  મેરા નાક કા નકશા હી બદલ ગયા સચિન કે ઉસ બાઉન્સર કે બાદ. મેરે પાસ અબ નયા નાક હૈ.’

૧૯૮૦-’૯૦ના દાયકામાં મુંબઈ-દિલ્હીની ટીમ વચ્ચે ઘણી વાર અહમટકરાવ થતો. ક્યારેક દિલ્હીના કૅમ્પમાંથી પંજાબી અપશબ્દો આવતા તો એનો મુમ્બૈયા ટપોરી ભાષામાં એનો વળતો જવાબ અપાતો. બન્ટુ સિંહે સચિનવાળી ઘટનાની વાત કરતાં કહ્યું કે ‘કોટલાની પિચ બૅટિંગ માટે સ્વર્ગ સમાન હતી. અમારા સીમ બોલર્સ સંજીવ શર્મા અને અતુલ વાસને છેલ્લી સીઝન રમી રહેલા દિલીપભાઈ (વેન્ગસરકર)ને થોડા બાઉન્સર ફેંક્યા હતા. બે વખત અતુલનો બાઉન્સર દિલીપભાઈને પાંસળી પર વાગ્યો હતો અને સ્લેજિંગ શરૂ થઈ ગયું હતું. ત્યારે દિલ્હીએ ક્વૉર્ટર ફાઇનલમાં ફક્ત એક રનથી પરાજય જોવો પડ્યો હતો, કારણ કે પ્રથમ દાવમાં મુંબઈના ૩૯૦ સામે દિલ્હીના ૩૮૯ રન થઈ શક્યા હતા.’

બીજી ઇનિંગ્સ બન્ને ટીમ માટે ઔપચારિકતા હતી. મુંબઈએ એમાં કૅપ્ટન સંજય માંજરેકર, સચિન અને ચંદ્રકાન્ત પંડિતની સદીની મદદથી ૭૧૯ રન ખડકી દીધા હતા. બન્ટુ સિંહે ક્હ્યું કે ‘મૅચનો અંતિમ દિવસ હતો, અમે ઘણા શૉર્ટ-પિચ્ડ બૉલ ફેંક્યા હતા એટલે મુંબઈના ખેલાડીઓ અમારા પર ખૂબ ક્રોધિત હતા. મેં પહેલા દાવમાં સદી ફટકારી હોવાથી બીજા દાવમાં હું ભરપૂર આત્મવિશ્વાસથી રમતો હતો. એ દિવસોમાં સચિન સીમ-અપ બૉલ ફેંકતો અને તેના બૉલ કળી ન શકાય એવા હતા. તેના એક બૉલમાં મેં બાઉન્ડરી ફટકારી એટલે તે મારા તરફ ઉદાસીન હાલતે જોવા માંડ્યો હતો. પછીનો તેનો બૉલ શૉર્ટ ઑફ લેન્ગ્થ હતો. મેં કદી પ્રોટેક્ટિવ વાઇસર (ફ્રન્ટ ગ્રિલ)વાળી હેલ્મેટ નહોતી પહેરી. હું કાનને રક્ષણ આપતી ફાઇબર ગ્લાસની હેલ્મેટ જ પહેરતો હતો.

બૉલ મારી તરફ ઊછળીને આવ્યો એટલે મેં પુલ શૉટમાં બૉલને મિડ-વિકેટ પરથી બાઉન્ડરી તરફ મોકલવાનો પ્રયાસ કર્યો, પણ બૉલ મારા બૅટના તળિયાને અડીને રૉકેટની માફક મારા મોઢા તરફ આવ્યો અને નાક પર જોરદાર વાગ્યો હતો. અમે ત્યારે એસજી નહીં, પણ ઇંટ જેવા કીમાતી બૉલથી રમતા હતા. બૉલ વાગતાં જ મેં સમતોલપણું ગુમાવ્યું અને નીચે પડવાનો જ હતો ત્યારે સ્લિપમાંથી મારી તરફ દોડી આવેલા મુંબઈના કૅપ્ટન સંજય માંજરેકરના હાથમાં હું ઢળી પડ્યો હતો.’ બન્ટુ સિંહને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં નાક પર કેટલાંક ફ્રૅક્ચર હોવાથી નાકની સર્જરી કરવામાં આવી હતી. સચિને એ રાતે બન્ટુના પપ્પા સાથે ફોન પર વાત કરીને બન્ટુના ખબરઅંતર પૂછ્યા હતા.

sports news sports cricket news mumbai ranji team ranji trophy