સચિનની સોમવારે થશે ‘હાફ સેન્ચુરી’

22 April, 2023 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લિટલ ચૅમ્પિયન, માસ્ટર બ્લાસ્ટર અને અનેક ક્રિકેટપ્રેમીઓનો ભગવાન બે દિવસ પછી ૫૦મા વર્ષમાં કરશે પ્રવેશ ઃ તેન્ડુલકરે વન-ડે વિશે દર્શાવી ઘેરી ચિંતા, મીડિયાની કરી ભરપૂર પ્રશંસા

ચર્ચગેટમાં ગઈ કાલે સીસીઆઇના સી. કે. નાયુડુ બૅન્ક્વેટ હૉલમાં મુંબઈના સ્પોર્ટ્‍સ તંત્રીઓ, પત્રકારો અને ફોટોગ્રાફર સાથેના સમારંભ દરમ્યાન સચિન તેન્ડુલકર. અતુલ કાંબળે

ઇન્ટરનૅશનલ ક્રિકેટની ૨૪ વર્ષની કરીઅરમાં અનેક સિદ્ધિ મેળવનાર ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર સોમવાર ૨૪ એપ્રિલે ૫૦મા વર્ષમાં પ્રવેશશે અને એ પ્રસંગે તેને અનેક લોકોનાં અભિનંદન તથા શુભેચ્છા મળે એ પહેલાં ખુદ સચિને ગઈ કાલે મુંબઈમાં પત્રકારોને સાથેની વાતચીતમાં તેમને ખૂબ બિરદાવ્યા હતા તેમ જ વન-ડે ક્રિકેટના ભાવિ વિશે ચિંતા વ્યક્ત કરવાની સાથે કેટલાક ઉપાય પણ બતાવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૧૬૪ હાફ સેન્ચરી ફટકારનાર લિટલ ચૅમ્પિયન સોમવારે જીવનની હાફ સેન્ચુરી પૂરી કરશે. ટેસ્ટના તેમ જ વન-ડે ક્રિકેટના બેતાજ બાદશાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘વન-ડે ક્રિકેટ બૅટર્સ તરફ ઝૂકી ગઈ છે એટલે બૅટ અને બૉલ વચ્ચે જે અસમતુલા જોવા મળી રહી છે એ દૂર કરવા પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. એટલું જ નહીં, ક્રિકેટપ્રેમીઓનો રસ જાળવી રાખવા ટેસ્ટ ફૉર્મેટની મૅચો તમામ પ્રકારની પિચ પર રમાડવામાં આવે એ પણ અગત્યનું છે.’
વન-ડે બૅટર્સતરફી થઈ ગઈ છે
વન-ડે ક્રિકેટના ફૉર્મેટ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ એવું કેટલાકનું માનવું છે એવી માન્યતા વચ્ચે સચિને ગઈ કાલે કહ્યું કે ‘ટી૨૦ ક્રિકેટના આજના ફટાફટ ક્રિકેટના જમાનામાં વન-ડે ફાસ્ટ થઈ ગઈ છે. આંખના એક પલકારામાં મૅચ જાણે પૂરી થઈ જાય છે. હાલની વન-ડે ક્રિકેટ બૅટર્સતરફી છે એટલે બોલર્સને લાભ મળે એવું કંઈક કરવું જોઈએ. મૅચમાં બે વાઇડ બૉલની છૂટ અને ફીલ્ડિંગની મર્યાદાને કારણે બૅટર્સને ફટકાબાજી કરવાની છૂટ મળી જાય છે. સ્વિંગ અને સ્પિન જોઈએ એવાં ન થઈ શકવાથી બોલર્સ માટે એ મોટો ગેરલાભ છે. વન-ડેને પચીસ-પચીસ ઓવરવાળી ચાર ઇનિંગ્સમાં ફેરવવામાં આવે તો પણ આ ફૉર્મેટ વધુ રોમાંચક બની શકે. મૅચમાં પછીથી બોલિંગ કરનાર ટીમને ભેજને લીધે નુકસાન થાય છે. બૉલ ભીનો થવાથી સ્પિનર્સને પિચમાંથી મદદ નથી મળતી અને બૉલ સ્વિંગ કરવામાં પણ તકલીફ થાય છે. જો વન-ડેને પચીસ ઓવરના ચાર દાવમાં ફેરવવામાં આવે તો બન્ને ટીમના બૅટર્સને સૂકી તેમ જ ભેજવાળી આબોહવામાં રમવાનો મોકો મળે.’
મારો ઉત્સાહ મીડિયાએ વધારેલો
સચિનના બહુમાન માટે મુંબઈમાં ગઈ કાલે પત્રકારો દ્વારા આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં સચિને જર્નલિસ્ટ્સ અને ફોટોગ્રાફર્સને બિરદાવતાં કહ્યું કે ‘ઍથ્લીટ્સને વધુ સારું પર્ફોર્મ કરવામાં તેમ જ પોતાની કુશળતાને આધારે વધુ મહેનત કરવામાં મીડિયાની બહુ સારી મદદ મળી રહી છે. તમે બધા તેમના પર્ફોર્મન્સને જે રીતે બિરદાવતા રહો છો એનાથી તેઓ વધુ સારું રમવા માટે ઉત્સાહી બને છે. મને મારી કરીઅરની શરૂઆતમાં નિરાશાના દિવસોમાં મીડિયાએ જ મારો ઉત્સાહ વધાર્યો હતો.’

sachin tendulkar ipl 2023 indian premier league cricket news sports news