30 September, 2011 09:11 PM IST |
બાંદરાના પેરી ક્રૉસ રોડ પર આવેલા નવા બંગલામાં સચિને નવરાત્રિના પવિત્ર દિવસે ગૃહપ્રવેશની પૂજા કરાવી હતી, પરંતુ આમ કરીને તેણે નિયમનો ભંગ કર્યો હતો. હકીકતમાં સચિનને ચાર દિવસ પછી ઓસી મળવાનું હતું.
સુધરાઈના ચીફ એન્જિનિયર (ડેવલપમેન્ટ) આર. કુકનુરે કહ્યું હતું કે સુધરાઈના કાયદા અનુસાર ઓસી મેળવ્યા વિના કોઈ ઘરમાં રહેવા જઈ ન શકે. બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘બીએમસી ઍક્ટની કલમ ૩૫૦ (એ) હેઠળ સચિન તેન્ડુલકર સામે પગલાં લઈ શકાય એમ છે. જોકે બંગલો બાંધવામાં કોઈ નિયમોનો ભંગ નથી થયો. ઓસી થોડા જ દિવસમાં મળવાનું હતું. સચિને રાહ જોવાની જરૂર હતી.’
સચિનને નજીકથી જાણતી એક વ્યક્તિએ કહ્યું હતું કે ડેકોરેશનના એક ભાગરૂપે સચિને ૪૦ જેટલાં પેઇન્ટિંગ્સ ખરીદ્યાં છે.
મહારાષ્ટ્ર સરકારે દંડ માફ કરવા સુધરાઈને જણાવ્યું
ઑક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) મેળવ્યા વગર નવા ઘરમાં રહેવા ગયેલા માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેન્ડુલકરને આ માટે ભરવાની આવે એ પેનલ્ટીને માફ કરવાનો મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સુબોધ કુમારને આદેશ આપ્યો હતો. બુધવારે સચિન બાંદરાના પેરી ક્રૉસ રોડ પર આવેલા પોતાના નવા ઘરમાં રહેવા ગયો હતો, પરંતુ તેને આ ઘર માટે ઓસી આપવામાં આવ્યું નહોતું. મેયર શ્રદ્ધા જાધવે આ પહેલાં એવું નિવેદન કર્યું હતું કે નિયમોમાં કોઈના માટે બાંધછોડ કરવામાં આવશે નહીં. જોકે વjાોદ્યોગ ખાતાના પ્રધાન અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક પ્રધાન મોહમ્મદ આરિફ નસીમ ખાને કહ્યું હતું કે ‘સચિન એક આદર્શ છે. તેણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. સુબોધ કુમારે મને કહ્યું છે કે તેઓ આ મુદ્દે ધ્યાન આપીને યોગ્ય નર્ણિય લેશે. સામાન્ય રીતે લોકો ઓસી લીધા પછી ઘરમાં રહેવા જાય છે. સચિને ઓસી માટે અપ્લાય કર્યું છે. તે ઓસી લીધા વગર નવા ઘરમાં રહેવા ગયો છે, પરંતુ તેને વિશેષ કેસ ગણીને પેનલ્ટીમાંથી રાહત આપવી જોઈએ.’
સચિન નિયમોનો ભંગ કરે નહીં : ઉદ્ધવ ઠાકરે
ઑક્યુપેશન સર્ટિફિકેટ લીધા વગર જ બાંદરાના પેરી ક્રૉસ રોડ પર આવેલા પોતાના નવા બંગલામાં રહેવા ગયો હોવાને કારણે માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેન્ડુલકરને પેનલ્ટી લાગવાની શક્યતાને પગલે નર્મિાણ થયેલા વિવાદ વિશે પ્રતિક્રિયા આપતાં શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘સચિન આવું કરે એ હું માની શકતો નથી. આપણે મૅચમાં જોયું છે કે ઘણી વખત નૉટઆઉટ આપવામાં આવ્યો હોવા છતાં સચિન મેદાન છોડીને જતો રહે છે. તે નિયમોનું ઉલ્લંઘન કરી શકે નહીં.’