11 February, 2023 02:49 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એડન માર્કરમ
આઇપીએલની નવી સીઝન પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર છે. એનો મિડલ ઑર્ડર બૅટર એડન માર્કરમ શાનદાર ફૉર્મમાં છે. માર્કરમે સાઉથ આફ્રિકા ટી૨૦ (એસએ૨૦)ની સેમી ફાઇનલમાં સદી ફટકારીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી છે. માર્કરમ એસએ૨૦માં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ ટીમની કૅપ્ટન્સી કરી રહ્યો છે. સેમી ફાઇનલમાં તેમની ટક્કટ જોબર્ગ સુપર કિંગ્સ સામે હતી. સનરાઇઝર્સની પહેલાં બૅટિંગ હતી. જોકે એની શરૂઆત ખરાબ રહી હતી અને બે વિકેટ માત્ર ૧૦ રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ માર્કરમે જૉર્ડન હેરમન (૪૮) સાથે મળીને ઇનિંગ્સને સંભાળી અને ૧૩ ઓવરમાં સ્કોરને ૧૦૯ રન સુધી પહોંચાડી દીધો હતો. હેરમન રનઆઉટ થઈ ગયો એ પછી માર્કરમે એક છેડો સાચવી રાખ્યો હતો અને આઉટ થતાં પહેલાં સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. પોતાની ઇનિંગ્સ દરમ્યાન તેણે ૬ સિક્સર અને ૬ ફોર ફટકારી હતી. તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર ૧૮૪ રનનો હતો, બાકીના બૅટર્સે પણ યોગદાન આપીને ૨૦ ઓવરમાં સ્કોરને પાંચ વિકેટે ૨૧૩ રન સુધી પહોંચાડી દીધો હતો. આ ઇનિંગ્સ બદલ તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. જવાબમાં જોબર્ગ સુપર કિંગ્સની ટીમ ૧૯૯ રન બનાવી શકી હતી. ફાઇનલમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપની ટક્કર પ્રિટોરિયા કૅપિટલ્સ સાથે થશે.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાની જેમ આઇપીએલે પણ નિયમ બદલવા જોઈએ : પીટરસન
60
માર્કરમે ઇનિંગ્સમાં ૬ સિક્સર અને ૬ ફોર ફટકારીને ૧૨ બૉલમાં આટલા રન કર્યા હતા.