19 September, 2023 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમની છેલ્લી ટક્કર પાંચ વખતના વન-ડે ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે છે. શુક્રવારથી શરૂ થઈ રહેલી ત્રણ વન-ડે મૅચની આ સિરીઝ માટે ગઈ કાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ બે વન-ડેમાં કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને એશિયા કપનો પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ વિજેતા કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. રોહિતની ગેરહાજરીમાં ટીમની કમાન લોકેશ રાહુલને સોંપવામાં આવી છે. રવીન્દ્ર જાડેજાને વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે ત્રીજી વન-ડેમાં વર્લ્ડ કપમાં સામેલ સંપૂર્ણ ભારતીય ટીમ મેદાનમાં ઊતરશે. રવિચન્દ્રન અશ્વિનનો ત્રણેય મૅચમાં સમાવેશ કરવાને લીધે મૅનેજમેન્ટ અક્ષર પટેલ ફિટ ન થયો તો તેને વર્લ્ડ કપમાં એન્ટ્રી આપવા ગંભીરતાથી વિચારી રહ્યા હોવાની ચર્ચા છે.
વર્લ્ડ કપ પહેલાં ઑસ્ટ્રેલિયા જેવી ટીમ સામે એકસાથે આટલા બધા સિનિયર ખેલાડીઓને આરામ આપતાં સોશ્યલ મીડિયામાં ભારે ટીકા થઈ રહી છે અને એશિયા કપ જીત્યા બાદ ટીમ વધુ પડતા ઓવર-કૉન્ફિડન્સમાં આવી ગઈ હોવાનું ચાહકોનું લાગી રહ્યું છે. જોકે ટીમ મૅનેજમેન્ટનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર વર્લ્ડ કપ પહેલાં અમુક સિનિયર ખેલાડીઓ ફૅમિલી સાથે સમય પસાર કરી ફ્રેશ થઈ શકે એ માટે આરામ આપવામાં આવ્યો છે.
પ્રથમ બે વન-ડે માટેની ટીમ
કે. એલ. રાહુલ (કૅપ્ટન), શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા (વાઇસ-કૅપ્ટન), શાર્દૂલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર, રવિચન્દ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ત્રીજી અને છેલ્લી વન-ડે માટેની ટીમ
રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કૅપ્ટન), શુભમન ગિલ, કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કે. એલ. રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ (ફિટ હશે તો), વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને રવિચન્દ્રન અશ્વિન.