T20 વર્લ્ડ કપમાં ભારતે મેળવેલા વિજયના ત્રણ સ્તંભ રાહુલ દ્રવિડ, અજિત આગરકર અને જય શાહ

23 August, 2024 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

CEAT અવૉર્ડ્‌સના સમારંભમાં રોહિત શર્માએ કહ્યું...

રાહુલ દ્રવિડ, અજિત આગરકર અને જય શાહ

મુંબઈમાં આયોજિત ‘CEAT ક્રિકેટ રેટિંગ અવૉર્ડ‍્સ 2023-24’માં ભારતીય અને વિદેશી ક્રિકેટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024માં જીત વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ, ચીફ સિલેક્ટર અજિત આગરકર અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહે અમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાના પ્રયાસમાં સંપૂર્ણ સમર્થન આપ્યું હતું જેનું પરિણામ એ આવ્યું કે મારા નેતૃત્વમાં ભારત ટી20 વર્લ્ડ કપ જીત્યું. મને મારા આ ત્રણ સ્તંભો તરફથી ઘણી મદદ મળી હતી. વર્લ્ડ કપ જીતવો એ એક એવી વસ્તુ છે જે ક્યારેય શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.’

આ કાર્યક્રમમાં કેટલાક બૉલીવુડ સ્ટાર પણ હાજર રહ્યા હતા. વિરાટ કોહલી અને સ્મૃતિ માન્ધના હાજર રહી શક્યાં નહોતાં.

કોને કયા-કયા અવૉર્ડ મળ્યા?

CEAT ક્રિકેટ રેટિંગ અવૉર્ડ‍્સ 2023-24માં પુરુષ કૅટેગરીમાં રોહિત શર્મા અને મહિલા કૅટેગરીમાં સ્મૃતિ માન્ધના ઇન્ટરનૅશનલ ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત થયાં હતાં. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહને સ્પોર્ટ‍્સ ઍડ‍્મિનિસ્ટ્રેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન શ્રેયસ ઐયરને બેસ્ટ T20 લીડરશિપ અવૉર્ડ મળ્યો.

યશસ્વી જાયસવાલને બેસ્ટ ટેસ્ટ-બૅટર, રવિચન્દ્રન અશ્વિનને બેસ્ટ ટેસ્ટ-બોલર, વિરાટ કોહલીને બેસ્ટ વન-ડે બૅટર, ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટને બેસ્ટ T20 બૅટર, ન્યુ ઝીલૅન્ડના ટિમ સાઉધીને બેસ્ટ T20 બોલરનો અવૉર્ડ મળ્યો હતો. દીપ્તિ શર્માને બેસ્ટ ભારતીય મહિલા બોલરનો અને શફાલી વર્માને મહિલા ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારવા માટે અવૉર્ડ મળ્યો હતો. મહિલા T20 ઇતિહાસમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ મૅચ રમવા માટે હરમનપ્રીત કૌરને પણ સન્માનિત કરવામાં આવી હતી. 

indian cricket team t20 world cup rohit sharma jay shah board of control for cricket in india rahul dravid ajit agarkar cricket news sports sports news