08 February, 2024 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત , રિકી પોન્ટિંગ
દિલ્હી કૅપિટલ્સના કોચ રિકી પૉન્ટિંગે કહ્યું કે રિષભ પંત આઇપીએલ ૨૦૨૪ માટે તૈયાર છે. રિકી પૉન્ટિંગે જણાવ્યું કે રિષભ પંતે પોતે કહ્યું કે તે ટીમ માટે રમશે. કોચે કહ્યું કે પંત વિકેટકીપિંગ અને કૅપ્ટન તરીકે મેદાન પર ઊતરશે કે નહીં એ હજી નક્કી નથી, પણ બૅટિંગ જરૂર કરશે. રિષભ પંત ડિસેમ્બર ૨૦૨૨ પછીથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ૨૦૨૨ની ૩૦ ડિસેમ્બરે દિલ્હીથી રૂડકી જતા સમયે પંત રોડ-અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી પંત ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો છે. તેણે ૨૦૨૨ની ૩૦ ડિસેમ્બરે થયેલા રોડ-અકસ્માત બાદ ૨૦૨૩ની ૧૦ ફેબ્રુઆરીએ પહેલી વાર લાકડીના ટેકાથી ચાલવાનું શરૂ કર્યું હતું.
પંતને પૂછીશ તો કહેશે કે તે કીપિંગ કરશે અને બધી મૅચ રમશે : પૉન્ટિંગ
રિકી પૉન્ટિંગ હાલ મેલબર્નમાં છે. તેને અમેરિકાની મેજર લીગમાં વૉશિંગ્ટન ફ્રીડમ ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન તેણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ સમય દરમ્યાન તેને આઇપીએલ અને રિષભ પંતને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. પૉન્ટિંગે કહ્યું કે અત્યારે રિષભ પંતને સંપૂર્ણ લીગમાં રમાડવો યોગ્ય નથી, પણ તે જેટલું પણ રમી શકે એ ટીમ માટે બોનસ છે.
પૉન્ટિંગે વધુમાં કહ્યું કે ‘રિષભ પંત કેટલી મૅચ રમશે એને લઈને અત્યારે કઈ ખાસ કહીં ન શકાય. ટુર્નામેન્ટ શરૂ થવામાં હવે માત્ર ૬ સપ્તાહનો જ સમય બાકી છે. એટલા માટે એવું નથી લાગી રહ્યું કે તે વિકેટકીપિંગ પણ કરશે.’ પૉન્ટિંગે વધુમાં કહ્યું કે ‘હું એક વાતની ગૅરન્ટી આપું છું કે જો હું પંતને અત્યારે પૂછીશ તો તે કહેશે કે હું દરેક મૅચ રમીશ, કીપિંગ પણ કરીશ અને નંબર ૪ પર બૅટિંગ પણ કરીશ. પંત આવી જ રીતે વિચારે છે અને અમે બધા તેને જલદીથી ફીટ થતો જોવા માગીએ છીએ.’
પંતની ગેરહાજરીમાં દિલ્હીએ ૧૪માંથી પાંચ મૅચમાં જીત મેળવી
પૉન્ટિંગે કહ્યું કે ‘પંત શાનદાર ખેલાડી છે. તે અમારો સુકાની છે અને ગયા વર્ષે અમને તેની ખોટ જોવા મળી હતી. તેના રોડ-અકસ્માત બાદથી ૧૨-૧૩ મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે. હું તો એ જ કહીશ કે તે આવા અકસ્માતથી બચી ગયો એ એક ચમત્કાર જ કહેવાય. અત્યારે તો તે ક્રિકેટ રમવા માટે પણ તૈયાર છે.’