16 June, 2023 11:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રિષભ પંત હવે કોઈની પણ મદદ વગર પોતાની જાતે દાદર ચડી શકે છે.
વિકેટકીપર-બૅટર રિષભ પંત બીસીસીઆઇના ફિઝિયો એસ. રજનીકાંત અને બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)ના ફિઝિયો થુલાસી રામ યુવરાજની તેમ જ અન્ય મેડિકલ
સ્ટાફની મદદથી ઘૂંટણની ઈજામાંથી જલદી બહાર આવી રહ્યો છે. તેને દિલ્હી કૅપિટલ્સના સપોર્ટ સ્ટાફની પણ ઘણી મદદ મળી છે. તે એનસીએ ખાતેના રીહૅબિલિટેશન સેશનમાં એક્વા થેરપી કરાવવા ઉપરાંત સ્વિમિંગ પણ કરે છે અને ટેબલ ટેનિસ પણ રમે છે. તે યુવા ક્રિકેટર્સ સાથેના ચર્ચાસત્રમાં ભાગ લઈને તેમનો નૈતિક જુસ્સો પણ વધારે છે. પંત હવે કોઈની પણ સહાય વગર અને સ્ટિક વિના પોતાની જાતે દાદર ચડી શકે છે. તેને ઘૂંટણમાં હવે દુખાવો જરાય નથી.
ક્રિકેટ બોર્ડ પંતને આગામી ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપથી પાછો મેદાન પર લાવવા આતુર છે, પરંતુ એ કદાચ શક્ય ન પણ બને. હા, તે ૨૦૨૩ના અંત પહેલાં રમતો જોવા મળી શકે. તે છેલ્લે ડિસેમ્બર ૨૦૨૨માં બંગલાદેશના પ્રવાસમાં રમ્યો હતો. કાર-અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મિડલ-ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરે તાજેતરમાં પીઠમાં સર્જરી કરાવી હતી જેને કારણે તેઓ આઇપીએલમાં અને ડબ્લ્યુટીસીની ફાઇનલમાં નહોતા રમી શક્યા.