11 September, 2024 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
કલકત્તામાં એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટર્સ અને પાકિસ્તાન ક્રિકેટ માટે મહત્ત્વનાં નિવેદન આપ્યાં હતાં. તેણે કહ્યું કે ‘જો રિષભ પંત આવું જ પ્રદર્શન કરતો રહેશે તો તેને ટેસ્ટ-ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સામેલ કરવામાં આવશે. તેણે ટૂંકા ફૉર્મેટમાં વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. તે પ્રતિભાશાળી છે અને મને ખાતરી છે કે તે ટૂંક સમયમાં આવું કરવામાં સફળ થશે.’
ભારતીય બોલિંગ યુનિટ વિશે વાત કરતાં સૌરવે કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે આ વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઝડપી બોલર મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. ભારતનું આક્રમણ અત્યારે ઘણું સારું છે. ઑસ્ટ્રેલિયા ટૂર પર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની હાજરીમાં શમીની વાપસી ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે.`
બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ માટે તેણે કહ્યું કે ‘પાકિસ્તાનને એની ધરતી પર હરાવવું સરળ નથી એથી બંગલાદેશના ખેલાડીઓને અભિનંદન, પરંતુ ભારતીય ટીમ અલગ છે અને દેશ-વિદેશમાં સારું પ્રદર્શન કરે છે અને એનું બૅટિંગ-યુનિટ ઘણું મજબૂત છે. મને નથી લાગતું કે બંગલાદેશ અહીં જીતી શકશે. હું પાકિસ્તાનમાં ટૅલન્ટની અછત જોઉં છું. હવે તેમની પાસે પહેલાં જેવી પ્રતિભા નથી. પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા લોકોએ આ તરફ ધ્યાન આપવું જોઈશે.’