29 August, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિષભ પંત
ભારતના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત(Rishabh Pant)અલુરમાં એશિયા કપની તૈયારી કરી રહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. ભારતીય ટીમ બેંગલુરુ પાસે પ્રેક્ટિસ કેમ્પમાં છે. અહીં ટીમ પોતાની તૈયારીઓ કરી રહી છે. એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. અલુરમાં ભારતીય ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે તેને પાંચ દિવસ થયા છે.
સોમવારે (28 ઓગસ્ટ) રિષભે તેના સાથી ખેલાડીઓને મળવાનું નક્કી કર્યું. 25 વર્ષીય પંત ગત વર્ષે ડિસેમ્બરમાં કાર અકસ્માત દરમિયાન થયેલી ઈજાને કારણે હાલમાં ટીમની બહાર છે. બીસીસીઆઈએ મંગળવારે (29 ઓગસ્ટ) સવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આમાં પંત અચાનક મેદાન પર પહોંચી ગયો. તેણે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ સાથે લાંબા સમય સુધી વાત કરી. તે જ સમયે તે કુલદીપ યાદવ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
પંત અન્ય ખેલાડીઓને પણ મળ્યો હતો.
પંત ઈંગ્લેન્ડ સામે વાપસી કરી શકે છે
રિષભ પંત હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિકવરી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તે તાજેતરમાં જ ક્રિકેટની પીચ પર પરત ફર્યો છે. પંતનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે સ્થાનિક ટૂર્નામેન્ટમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. કાર અકસ્માત બાદ પંતે પ્રથમ વખત બેટિંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે તે આવતા વર્ષે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીથી વ્યાવસાયિક ક્રિકેટમાં વાપસી કરશે.
આયર્લેન્ડમાં ટી-20 સિરીઝ બાદ સ્વદેશ પરત ફરેલા જસપ્રિત બુમરાહ અને તિલક વર્મા પણ ટીમ સાથે જોડાયા છે. બુમરાહે પ્રેક્ટિસ કેમ્પમાં જોરદાર બોલિંગ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પણ આપ્યો હતો. આ દરમિયાન મોટાભાગના ખેલાડીઓએ 16.5 થી 18ની રેન્જમાં સ્કોર કર્યો હતો. કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર યો-યો ટેસ્ટના પરિણામો પણ શેર કર્યા છે. જેના કારણે BCCIએ પણ તેને ઠપકો આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ યો-યો ટેસ્ટમાં ટોપ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંતે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં શૉર્ટ વિકેટકીપિંગની શરૂઆત કરી છે. તે પ્રૅક્ટિસ દરમ્યાન ઘણી બૅટિંગ પણ કરી રહ્યો છે, પરંતુ કીપિંગની બાબતમાં તેણે હમણાં સ્પિનર્સનો જ સામનો કરવાનું પસંદ કર્યું છે.