23 September, 2024 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત
બંગલાદેશ સામે આક્રમક સેન્ચુરી સાથે પોતાના મનપસંદ ફૉર્મેટમાં પુનરાગમન કર્યા પછી ભારતીય વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે કહ્યું કે ‘ઈજા બાદ હું ત્રણેય ફૉર્મેટમાં રમવા માગતો હતો અને આ મારી પ્રથમ ટેસ્ટ હતી. આશા છે કે આવનારા દિવસો વધુ સારા રહેશે. હું ખૂબ જ ઇમોશનલ હતો. હું ટેસ્ટમાં સારો દેખાવ કરવા માગું છું, કારણ કે હું આ ફૉર્મેટમાં સૌથી વધુ આરામદાયક અનુભવું છું. મેદાન પર રહેવાથી મને અન્ય કોઈ પણ વસ્તુ કરતાં વધુ ખુશી મળે છે.’
બંગલાદેશ સામે બીજી ઇનિંગ્સમાં ૧૦૯ રન ફટકારનાર રિષભ પંતે ખુલાસો કર્યો હતો કે લંચ-બ્રેક દરમ્યાન કૅપ્ટન રોહિત શર્માએ એક કલાક બાદ ઇનિંગ્સ ડિક્લેર કરવાની વાત કરી હતી. એથી હું વધુ ઝડપી બૅટિંગ કરીને પોતાના ૧૫૦ રન પણ પૂરા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં તેણે ૩૯ રન ફટકાર્યા હતા.
રિષભ પંતની શાનદાર વાપસી વિશે વાત કરતાં કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ‘તે ખરેખર ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. તેણે જે રીતે મુશ્કેલ સમયનો સામનો કર્યો અને પોતાની જાતને સંભાળી એ જોવાનું આશ્ચર્યજનક હતું. તેણે IPLમાં વાપસી કરી હતી એ પછી T20 વર્લ્ડ કપમાં ઘણો સફળ રહ્યો હતો, પરંતુ તેને ટેસ્ટ ફૉર્મેટ સૌથી વધુ પસંદ છે.’