27 March, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત
ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ખરાબ શૉટ માટે રિષભ પંત પર વિવાદિત કમેન્ટ કરનાર ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરે ફરી તેના વિશે મોટું નિવેદન આપ્યું છે. લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદેલો ૨૭ કરોડ રૂપિયાનો IPLનો સૌથી મોંઘો પ્લેયર રિષભ પંત ૧૮મી સીઝનની પહેલી જ મૅચમાં દિલ્હી કૅપિટલ્સ સામે ૬ બૉલમાં શૂન્ય પર આઉટ થયો હતો. તે ૨૦૧૮ બાદ પહેલી વાર આ ટુર્નામેન્ટમાં ડક પર આઉટ થયો છે, તે પાંચમી વાર ઝીરો પર આઉટ થયો છે.
પંતના આ પ્રદર્શન બાદ ગાવસકરે કહ્યું હતું કે ‘રિષભ પંત એક બુદ્ધિશાળી ક્રિકેટર છે. તેણે (આ મૅચમાં) તેની બૅટિંગ અને કૅપ્ટન્સી વિશે મૂલ્યવાન જ્ઞાન મેળવ્યું હશે. મને લાગે છે કે આપણે તેના તરફથી વધુ સારું પ્રદર્શન જોઈશું. એક વાર તે થોડા રન બનાવશે પછી મને આશા છે કે તેની કૅપ્ટન્સી વધુ મજબૂત બનશે.’