28 September, 2024 06:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૬ વર્ષનો રિષભ પંત બંગલાદેશ સામેની બીજી ટેસ્ટમાં વધુ એક સેન્ચુરી ફટકારશે તો તે સૌથી વધુ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર ભારતીય વિકેટકીપર-બૅટર બની જશે.
કાર-ઍક્સિડન્ટ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં શાનદાર વાપસી કરનાર રિષભ પંતે ક્રિકેટજગતમાં પ્રભાવ પાડ્યો છે. કેટલાક ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સે તેને પોતાની ટીમમાં લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઑસ્ટ્રેલિયાના લિમિટેડ ઓવર્સના કૅપ્ટન મિચલ માર્શે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રિષભ પંત એક શાનદાર ખેલાડી છે. કાશ તે ઑસ્ટ્રેલિયન હોત. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ચોક્કસપણે ઘણો સંઘર્ષ કર્યો, પણ તેણે શાનદાર પુનરાગમન કર્યું છે. તે એક સકારાત્મક વ્યક્તિ છે, હજી ખૂબ જ નાનો છે અને તેને જીતવાનું પસંદ છે.’
ઑસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રૅવિસ હેડે પણ એક ઇન્ટરવ્યુમાં પંતની ક્ષમતાનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભારતીય ક્રિકેટરોમાં રિષભ પંત સૌથી વધુ ઑસ્ટ્રેલિયન છે. મને લાગે છે કે તે જે રીતે તેના આક્રમક સ્વભાવ અને વર્ક-એથિક સાથે રમે છે એનાથી રમવાની મજા બમણી થાય છે.’
વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપનો હાઇએસ્ટ વિકેટટેકર નૅથન લાયન કહે છે...
રિષભ પંત પાસે તમામ પ્રકારની બૅટિંગ કુશળતા છે, તેની સામે ભૂલ ન કરાય
વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપ (૨૦૧૯-૨૦૨૪)નો હાઇએસ્ટ વિકેટટેકર નૅથન લાયન (૧૮૭ વિકેટ) આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતને મોટો પડકાર માને છે. ઑસ્ટ્રેલિયાના આ અનુભવી સ્પિનરે કહ્યું હતું કે ‘રિષભ પંત ખૂબ જ ચપળ ક્રિકેટર છે, તેની પાસે તમામ પ્રકારની બૅટિંગ-કુશળતા છે. તેની સામે બોલિંગ કરતાં સમયે ભૂલ ન થવી જોઈએ એટલે અમારે અમારું બેસ્ટ આપવું પડશે. તેની સામે બોલિંગ કરવી એક પડકાર છે. મારી બોલિંગ પર મને સિક્સરનો ડર નથી. હું ઇચ્છું છું કે મારી સામે બૅટર વધારે ડિફેન્ડ કરે અને આ દરમ્યાન વિકેટ લેવાની તક મળે.’