પ્રખ્યાત મરાઠી સિંગરના જોરદાર વિરોધ બાદ રિષભ પંતે વિવાદાસ્પદ ઍડ ડિલીટ કરી નાખી

13 December, 2022 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રીમ-11ની એક જાહેરખબરમાં તેનો જે પોઝ રહ્યો છે એ સામે સંગીતક્ષેત્રના ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો છે,

મરાઠી સિંગર કૌશિકી ચક્રબર્તી (ડાબે). રિષભ પંતે પોતાની આ તસવીર ટ્‍વિટર અકાઉન્ટ પર અપલોડ કરી હતી, પરંતુ પ્રચંડ વિરોધ થતાં એ ડિલીટ કરી હતી.

વિકેટકીપર-બૅટર રિષભ પંતનો સમય ખરાબ ચાલી રહ્યો છે. તેનાથી રન બનતા નથી એટલે તે ટીકાકારોના રડાર પર સતત રહ્યા કરે છે. જોકે મેદાનની બહાર તે ઘણી બ્રૅન્ડ્સ માટે ફેવરિટ છે, પરંતુ એમાંની એક બ્રૅન્ડ માટેની જાહેરખબરમાંની તેની તસવીરથી તેના ટીકાકારો વધુ ઉશ્કેરાયા છે. ડ્રીમ-11ની એક જાહેરખબરમાં તેનો જે પોઝ રહ્યો છે એ સામે સંગીતક્ષેત્રના ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો છે, જેને ધ્યાનમાં લઈને પંતે ગઈ કાલે તમામ સોશ્યલ મીડિયાના પોતાના હૅન્ડલ પરથી એનો વિડિયો તથા ફોટો હટાવી લીધા હતા.

પંતને આ જાહેરખબર માટે મસમોટી રકમ મળી છે. વિડિયોમાં પંતને નિષ્ફળ ગયેલા મ્યુઝિશ્યન તરીકે બતાવાતાં દેશના કેટલાક નામાંતિક મ્યુઝિશ્યન્સે પરંપરાગત ભારતીય શાસ્ત્રીય સંગીતની એક રીતે મજાક ઉડાડતા પંતને બતાડાતાં ટીકા કરી છે. પંત ક્રિકેટ છોડીને ગાયક બન્યો હોત કે બીજા કોઈ ક્ષેત્રમાં કરીઅર બનાવવા તે આગળ વધ્યો હોત તો તેનો એ યોગ્ય નિર્ણય ન હોત એવો આ જાહેરખબર પાછળનો અર્થ હોવાનું મનાય છે જેનો ઘણાએ વિરોધ કર્યો છે.

જાણીતાં મરાઠી સિંગર કૌશિકી ચક્રબર્તીએ ટ્‍વિટર અકાઉન્ટ મારફત પંતની ટીકા કરી હતી, જેમાં તેમણે આ પ્રમાણે લખ્યું હતું : આ ગંદી કમર્શિયલ બાબતમાં મને કેટલી બધી ઘૃણા થઈ રહી છે એ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. @RishabhPant17. આ તો આપણને પંડિત રવિશંકર, ઉસ્તાદ ઝાકિર હુસેન, પંડિત ભીમસેન જોશી પાસેથી વારસામાં મળેલું સંગીત છે. આપણને મળેલા વારસાનો અનાદર કરનાર વ્યક્તિ ખુદ મૂર્ખ ઠરતો હોય છે. મને ખાતરી છે કે આવું કરીને તું રૂપિયા જરૂર કમાયો હોઈશ, પણ એનો કોઈ અર્થ છે ખરો?’

જોકે રિષભ પંતે વિવાદાસ્પદ ટ્વીટ ડિલીટ કરી નાખી એ પછી કૌશિકીએ પંતની પ્રશંસા કરી અને ઍડ્વર્ટાઇઝર્સ સામે પગલાં લેવાની સત્તાધીશોને વિનંતી કરતાં જણાવ્યું હતું કે ‘ઍડ પોતાના ટ્‍વિટર-અકાઉન્ટ પરથી ડિલીટ કરી નાખવા બદલ હું રિષભ પંતનો આભાર માનું છું. મારું એવું પણ કહેવું છે કે અંગત રીતે હું પંતની કોઈ પણ રીતે વિરુદ્ધમાં નથી. જીવનમાં તે ખૂબ આગળ વધે એવી શુભેચ્છા આપું છું અને તેને વિનંતી કરું છું કે અમે યોગ્ય સત્તાધીશો સુધી પહોંચી શકીએ એમાં અમારી મદદ કર, જેથી અમે અન્ય પ્લૅટફૉર્મ્સ પરથી પણ આ ઍડને હટાવડાવીએ.’

sports sports news cricket news Rishabh Pant