20 January, 2025 02:41 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રિયા સરોજ અને રિન્કુ સિંહ (તસવીર: સોશિયલ મીડિયા)
ભારતના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહ પણ હવે લગ્ન કરવાનો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રિન્કુ સિંહ લોકસભા સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, એમ ક્રિકેટરના પરિવારે રવિવારે જાહેર કર્યું હતું. અલીગઢનો 27 વર્ષીય ક્રિકેટર રિન્કુ સિંહ, જેણે ભારત વતી બે વનડે અને 30 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે 26 વર્ષીય વકીલમાંથી રાજકારણી બનેલી મહિલા પ્રિયા સરોજ સાથે એક વર્ષમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રિયા સરોજ અને રિન્કુ સિંહ બન્નેના પરિવારો આ લગ્ન માટે સંમત થયા છે, તેમ કહેવામા આવી રહ્યું છે.
રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન નક્કી થયા હોવાના સમાચાર છે, જોકે આ માટે અત્યાર સુધી કોઈ સમારોહ યોજાયો નથી. હાલમાં, પ્રિયા સંસદીય સમિતિની બેઠક માટે તિરુવનંતપુરમમાં છે જેની તે સભ્ય છે. બન્નેનો કોઈ સગાઈ સમારોહ પણ થયો નથી. આ બાબતોને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી કારણ કે રિન્કુ પણ બુધવારથી શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં વ્યસ્ત છે. પ્રિયાના પિતા અને જૌનપુર જિલ્લાના કેરાકટ મતવિસ્તારના સમાજવાદી પાર્ટી (SP) ધારાસભ્ય છે. “બન્નેના લગ્ન હવે નક્કી જ છે અને અંતિમ ચરણમાં છે,’” એમ સૂત્રોએ માહિતી આપી હતી.
લૉ ફર્મમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી તરત જ પ્રિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં 25 વર્ષની ઉંમરે તે મછલીશહર લોકસભા બેઠક પરથી પહેલી વાર સાંસદ બની હતી જેમાં તેણે ભાજપના સાંસદ બી.પી. સરોજને લગભગ 35,000 મતોથી હરાવ્યા હતા. તે વારાણસીની છે અને તેણે દિલ્હીથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેના પિતા 2014 અને 2019માં હાર્યા પહેલા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે, બે વખત સૈયદપુરથી અને એક વખત 2009માં મછલીશહરથી.
કોલકાતા નાઈટ રાઈડર્સનો ડાબોડી ખેલાડી રિન્કુ સિંહ જે એક ગરીબ પરિવારનો હતો, તેણે 2023ની ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝનમાં ગુજરાત ટાઇટન્સના યશ દયાલને છેલ્લી ઓવરમાં સતત પાંચ છગ્ગા મારીને ટીમને મેચ જીતાડી હતી. વધુ આકર્ષક પ્રદર્શનના પરિણામે તેની ભારત માટે પસંદગી થઈ અને તે ગયા વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેરેબિયનમાં ICC T20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ-બાયમાંનો એક પણ હતો, જે ટુર્નામેન્ટ ભારતે જીતી હતી.
ઉલ્લેખનીય છે કે લગ્ન પહેલા રિન્કુએ એકદમ આલીશાન બંગલો બનાવ્યો છે. યુપીના જૌનપુરની મછલીશહર લોકસભા બેઠકની યુવા સાંસદ પ્રિયા સરોજે રિન્કુ સિંહના આ આલીશાન બંગલાને ફાઇનલ કર્યો હતો. આ બંગલાની કિંમત 3.5 કરોડ રૂપિયા છે. બિલ્ડરોએ આ બંગલો નમૂના તરીકે બનાવ્યો હતો. રિન્કુ સિંહને આ બંગલો ખરીદવામાં રસ હતો. જ્યારે પ્રિયા સરોજ અલીગઢ આવી ત્યારે તેણે આ બંગલાને સુંદર ગણાવ્યો અને તેને ખરીદવા માટે સંમતિ આપી.