28 August, 2024 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિન્કુ સિંહે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ઑટોગ્રાફ બૅટ પર લીધા હતા
રોહિત શર્માની કૅપ્ટન્સી હેઠળ T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતનાર ટીમનો ભાગ ન બની શકનાર રિઝર્વ ખેલાડી રિન્કુ સિંહે મોટો ખુલાસો કર્યો હતો. પચીસમી ઑગસ્ટથી ઉત્તર પ્રદેશની નવી T20 લીગમાં ભાગ લઈ રહેલા રિન્કુ સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રોહિતભાઈએ કહ્યું કે તારી ઉંમર જ શું છે? સખત મહેનત કર. વર્લ્ડ કપ દર બે વર્ષે આવે છે, એના પર ધ્યાન આપ. ચિંતા ન કર.’ રોહિત શર્માના આ શબ્દો બાદ ૨૬ વર્ષનો નિરાશ રિન્કુ સિંહ થોડો મોટિવેટ થયો હતો.
રિન્કુએ રોહિત શર્માની કૅપ્ટન્સીનાં વખાણ કર્યાં હતાં અને વિરાટ કોહલીની આક્રમક શૈલી પણ બિરદાવી હતી. તેણે કહ્યું કે ‘મને રોહિત શર્માની કૅપ્ટન્સી પસંદ છે. મને વિરાટ કોહલીની કૅપ્ટન્સી પણ ગમે છે, કારણ કે ટીમનું નેતૃત્વ કરતી વખતે આક્રમકતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એથી તેની કૅપ્ટન્સી પણ સારી હતી.’