01 December, 2024 10:12 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન
પર્થમાં ઑસ્ટ્રેલિયાની હારનું મુખ્ય કારણ મિડલ ઑર્ડર બૅટર સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેનનું ખરાબ પ્રદર્શન પણ હતું. બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં આ બન્ને બૅટર જબરદસ્ત વાપસી કરે એ માટે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે તેમને વિરાટ કોહલીની જેમ આત્મવિશ્વાસથી રમવાની સલાહ આપી હતી. કોહલી પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં પાંચ રને આઉટ થયા બાદ બીજી ઇનિંગ્સમાં ૧૦૦ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો.
એક ઇન્ટરવ્યુમાં પૉન્ટિગે કહ્યું હતું કે ‘પર્થના તમામ બૅટ્સમેનોમાં માર્નસ લબુશેન સૌથી વધુ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. એ વાત સાચી છે કે વિકેટ મુશ્કેલ હતી અને ભારતીય બોલરો શાનદાર બોલિંગ કરી રહ્યા હતા, પરંતુ તેમણે એને બદલવાનો રસ્તો શોધવો પડશે. વિરાટને તેની રમત પર વિશ્વાસ હતો અને તે પ્રથમ ઇનિંગ્સની તુલનામાં બીજી ઇનિંગ્સમાં અલગ પ્લેયર જેવો દેખાતો હતો. તેણે વિરોધી ટીમ સામે લડવાને બદલે તેના પોતાના મજબૂત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માર્નસ અને સ્મિથે આ જ કરવાની જરૂર છે, પોતાનો માર્ગ શોધો અને મજબૂત ઇરાદા બતાવો. તમારે જોખમ ઉઠાવવા અને બોલરો પર દબાણ લાવવાનો રસ્તો શોધવો પડશે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જસપ્રીત બુમરાહ જેવા બોલર તમને રન બનાવવાની સરળ તક નહીં આપે.’
IPL મેગા ઑક્શનને કારણે પહેલી ટેસ્ટનો લાઇવ મૅચનો આનંદ ન ઉઠાવી શકનાર રિકી પૉન્ટિંગ બીજી ટેસ્ટમાં કૉમેન્ટરી બૉક્સમાં હાજર થઈ જશે.