14 November, 2024 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર, રિકી પૉન્ટિંગ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને આપેલા ઇન્ટરવ્યુમાં વિરાટ કોહલીના ફૉર્મ વિશે ચિંતા વ્યક્ત કરીને પાંચ વર્ષમાં માત્ર બે સેન્ચુરી ફટકારવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેણે આ ભારતીય દિગ્ગજની વાપસી કરવાની ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી. જ્યારે ગંભીરને પૉન્ટિંગની આ કમેન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ઑસ્ટ્રેલિયાના આ દિગ્ગજને ભારતીય ક્રિકેટ વિશે ચિંતા ન કરી ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.
ગૌતમ ગંભીરના કટાક્ષનો જવાબ આપતાં પૉન્ટિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તેનું રીઍક્શન વાંચીને મને આશ્ચર્ય થયું હતું, પરંતુ હું કોચ ગૌતમ ગંભીરને જાણું છું. તે ખૂબ જ ઝડપથી ચિડાઈ જાય છે એથી મને આશ્ચર્ય નથી કે તેણે વળતો પ્રહાર કર્યો. મને તેની પાસેથી આવી અપેક્ષા નથી. અમારા એકબીજા સામે ઘણા રેકૉર્ડ છે. મેં તેને દિલ્હી કૅપિટલ્સમાં કોચિંગ આપ્યું છે અને તે ખૂબ જ ચુલબુલ છે. મેં વિરાટની ટીકા નહોતી કરી. જો તમે વિરાટને પૂછશો તો મને ખાતરી છે કે તે થોડો ચિંતિત હશે કે તેણે પાછલાં વર્ષોની જેમ સેન્ચુરી ફટકારી નથી.’