07 February, 2025 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રૈયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ
પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગે એક પૉડકાસ્ટમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની રણનીતિ વિશે ખુલાસો કર્યો હતો. ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ કહે છે, ‘આ વર્ષે અમારે જોવાની રીત, જાતને સંભાળવાની રીત, તાલીમ લેવાની રીત, રમત અને આગેવાની લેવાની રીતમાં ખરેખર અલગ રહેવાનું છે. બધું જ પાછલાં વર્ષો કરતાં અલગ થવાનું છે. મેં આ ફ્રૅન્ચાઇઝીમાં બનતી ઘણી બાબતો વિશે સાંભળ્યું છે. ભલે તે માલિક હોય, પણ આ ટીમ મારી છે. મૅનેજમેન્ટ તરફથી સ્પષ્ટતા મળી છે કે હું મારી રીતે કામ કરવા સ્વતંત્ર છું. પ્રભસિમરન સિંહ અને શશાંક સિંહ જેવી યુવા ભારતીય પ્રતિભાઓને જાળવી રાખવાથી ફ્રૅન્ચાઇઝીની સ્થાનિક પ્લેયર્સને આગળ લાવવા માટેની પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ થાય છે. હું ત્રણ પ્લેયર્સ - શ્રૈયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહને ટીમમાં લેવા માગતો હતો એટલા માટે અમારી પાસે જે ભારતીય પ્લેયર્સ છે એ પર્ફેક્ટ છે.’
કોલકાતા નાઇટ રાઇડર્સના IPL વિજેતા કૅપ્ટન શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે ૨૬.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ૧૮ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો, જ્યારે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ૧૮ કરોડ રૂપિયામાં રાઇટ ટુ મૅચ કાર્ડ દ્વારા ટીમમાં રીટેન કરવામાં આવ્યો છે.