16 August, 2024 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો રુટ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરના ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ ૧૫,૯૨૧ રનના રેકૉર્ડ વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. તેનું માનવું છે કે ઇંગ્લૅન્ડનો જો રૂટ ટેસ્ટ-ક્રિકેટમાં સચિન તેન્ડુલકરના રનની સંખ્યાને વટાવી શકે છે જો તે આગામી ચાર વર્ષ સુધી સતત રન બનાવતો રહે તો. રિકી ૧૩,૩૭૮ રન સાથે આ લિસ્ટમાં બીજા સ્થાને છે.
ક્રિકેટના પરંપરાગત ફૉર્મેટના ઇતિહાસમાં ૧૨,૦૦૦ રનનો આંકડો પાર કરનાર જો રૂટ માત્ર સાતમો બૅટ્સમૅન બન્યો હતો. તેણે આ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ-સિરીઝ દરમ્યાન હાંસલ કરી હતી. તેણે ૧૪૩ ટેસ્ટમાં ૩૨ સેન્ચુરી અને ૬૩ ફિફ્ટી સાથે ૫૦.૧૧ની ઍવરેજથી ૧૨,૦૨૭ રન બનાવ્યા છે. જો રૂટ ૨૦૦ ટેસ્ટ રમનાર સચિન તેન્ડુલકરથી ૩૮૯૪ રન પાછળ છે.
૪૯ વર્ષના રિકી પૉન્ટિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘૩૩ વર્ષનો જો રૂટ જો દર વર્ષે ૧૨-૧૪ ટેસ્ટ રમીને ૮૦૦-૧૦૦૦ રન બનાવશે તો ૩૭ વર્ષનો થશે ત્યાં સુધીમાં સચિન તેન્ડુલકરનો સૌથી વધુ ટેસ્ટ-રનનો રેકૉર્ડ તોડી દેશે. જો રૂટને રન માટે ભૂખ્યા રહેવું પડશે અને તેની પાસે ટેસ્ટ-રેકૉર્ડ બનાવવાની ઉંમર છે.’
૮૮૪૮ ટેસ્ટ-રન સાથે વિરાટ કોહલી આ લિસ્ટમાં ૧૯મા ક્રમે છે, જે હાલમાં સૌથી વધુ ટેસ્ટ-રન બનાવનાર ઍક્ટિવ ભારતીય ખેલાડી પણ છે.