20 December, 2024 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરન
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૪૯૫ મૅચમાં સૌથી વધારે ૧૩૪૭ વિકેટ લેનાર શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘અશ્વિને તેની કારકિર્દીની શરૂઆત બૅટ્સમૅન તરીકે કરી હતી અને પાર્ટટાઇમ વિકલ્પ તરીકે સ્પિનમાં હાથ અજમાવ્યો હતો. તેને ટૂંક સમયમાં સમજાયું કે તેની બૅટિંગની સંભાવનાઓ સમાપ્ત થઈ ગઈ છે. તેણે પોતાનું ધ્યાન બોલિંગ પર કેન્દ્રિત કર્યું. આ સાહસિક પગલું લેવા બદલ અને તેણે જે હાંસલ કર્યું છે એ બદલ તેને અભિનંદન. ૫૦૦ ટેસ્ટ-વિકેટ સુધી પહોંચવું સરળ કામ નથી.’
૧૩૩ ટેસ્ટમાં સૌથી વધારે ૮૦૦ વિકેટ લેનાર એકમાત્ર બોલર મુરલીધરન આગળ કહે છે કે ‘જ્યારે હું મારી કરીઅરના છેલ્લા તબક્કામાં હતો ત્યારે મને તે શીખવા માટે આતુર એક સ્માર્ટ યુવાન લાગ્યો. તેણે મારી પાસે સલાહ માગી, સારા પ્રશ્નો પૂછ્યા અને પોતાને સુધારવા સખત મહેનત કરી. તેનું સમર્પણ અને શીખવાની ભૂખ તેને અન્ય લોકોથી અલગ બનાવે છે. અશ્વિને પોતાને, તામિલનાડુ ક્રિકેટ અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. જ્યારે તેની કરીઅરનો અંત આવી રહ્યો હતો ત્યારે પણ તેનો શીખવાનો જુસ્સો ક્યારેય ઓછો થયો નથી. તે તેની સિદ્ધિઓથી સંતુષ્ટ નહોતો. તે હંમેશાં આગળ વધતો રહે છે.’