20 December, 2024 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ દેવ
સંપૂર્ણ ક્રિકેટજગતની જેમ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવ પણ ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનની નિવૃત્તિના નિર્ણયથી આશ્ચર્યચકિત છે. તેઓ કહે છે કે ‘મને આશ્ચર્ય થયું કે ભારતના મહાન ક્રિકેટર્સમાંથી એકે કેવી રીતે રમત છોડવાનો નિર્ણય લીધો. ફૅન્સની જેમ તેના ચહેરા પર પણ નિરાશા જોઈ. તે આના કરતાં યોગ્ય ફેરવેલને લાયક હતો. તે રાહ જોઈ શક્યો હોત અને ભારતની ધરતી પર તેની નિવૃત્તિની જાહેરાત કરી શક્યો હોત, પરંતુ મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. હું તેનો પક્ષ પણ સાંભળવા માગું છું. તે સન્માનને પાત્ર છે. મને નથી લાગતું કે ભારતીય ક્રિકેટમાં તેના અમૂલ્ય યોગદાનની તુલના કોઈ કરી શકે. મને વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ભારતીય ટીમના આ મૅચ-વિનર માટે ભવ્ય વિદાય માટે યોગ્ય વ્યવસ્થા કરશે. અશ્વિન એક હિંમતવાન બોલર હતો. તે કૅપ્ટનનો ફેવરિટ બોલર હતો.’