18 December, 2024 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિચન્દ્રન અશ્વિનની ફાઇલ તસવીર
સ્પોર્ટ્સ જગતમાંથી હવે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2025 વચ્ચે ટીમ ઈન્ડિયાના ખૂબ જ હોનહાર ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Ravichandran Ashwin retirement) કરી છે.
રવિચંદ્રન અશ્વિન ભારતના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક છે. હવે તેણે પોતાની શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયરમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ બાદ આ નિર્ણય લીધો લેવામાં આવ્યો છે.
આ સાથે જ હવે રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ભારત માટે બીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.
Ravichandran Ashwin retirement: રવિચંદ્રન અશ્વિને અહીં કેપ્ટન રોહિત શર્મા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ડ્રો થયેલી ત્રીજી ટેસ્ટના અંતે જણાવ્યું હતું કે, "હું તમારો વધારે સમય નહીં લઉં. ભારતીય ક્રિકેટર તરીકે આજે મારા માટે છેલ્લો દિવસ હશે" બસ આટલું કહીને તેણે પોતાની વાત પૂરી કરી હતી.
અશ્વિનનાં સ્ટેજ છોડ્યા બાદ રોહિત શર્માએ કહ્યું, "તે તેના નિર્ણય પર ખૂબ જ ખાતરીપૂર્વક હતો. તે જે ઇચ્છે છે તેનાં નિર્ણય સાથે આપણે ઊભા રહેવું જોઈએ."
હજી તો થોડાક સમય પહેલા તે ડ્રેસિંગ રૂમમાં સ્ટાર બેટર વિરાટ કોહલી સાથે જોવા મળ્યો હતો. અને તેની થોડીકવાર બાદ તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે.
અશ્વિનની નિવૃત્તિ જાહેરાત (Ravichandran Ashwin retirement) બાદ બીસીસીઆઈએ એક્સ પર પોસ્ટ આપીને આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, “થેંક્યુ અશ્વિન. નિપુણતા, જાદુગરી, દીપ્તિ અને નવીનતાનું પર્યાયવાળું નામ. સ્પિનર અને #TeamIndia ના અમૂલ્ય ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેની સુપ્રસિદ્ધ કારકિર્દી માટે અભિનંદન”
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. વરસાદને કારણે ફરી એક વખત મજા પર પાણી ફરી વળ્યું છે. બંને ટીમો વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હવે 1-1ની બરાબરી પર આવી ગઈ છે. આટલી શાનદાર રહી છે તેની ઇન્ટરનેશનલ કરિયર
ઓફ સ્પિનર અશ્વિન (Ravichandran Ashwin retirement)ની ઇન્ટરનેશનલ કરિયર પર નજર કરવામાં આવે તો તેણે ભારત માટે કુલ 287 મેચ રમી છે. તેણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટ લઈને વિક્રમ નોંધ્યો છે, આ સાથે જ 200 ઇનિંગ્સમાં બોલિંગ કરવાનો તેને મોકો મળ્યો હતો. તે 37 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે 8 વખત તો તેણે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ પણ લીધી હતી.
આ સાથે જ તેની બેસ્ટ બોલિંગ ઇનિંગ્સમાં 59 રનમાં 7 વિકેટ અને મેચમાં 140 રનમાં 13 વિકેટ છે. આ સાથે જ તેણે 116 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 156 વિકેટ લીધી છે.