20 December, 2024 10:32 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ઘરે બૅન્ડવાજાં સાથે સ્વાગત થયા બાદ મીડિયા-કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અશ્વિને
૧૮ ડિસેમ્બરે બ્રિસબેનમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન ગઈ કાલે ચેન્નઈના પોતાના ઘરે પાછો ફર્યો હતો. ચેન્નઈ ઍરપોર્ટ પર તેના ફૅન્સ શુભેચ્છાઓ આપી સેલ્ફી માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા, પણ ઘરે પહોંચતાં તેની ફૅમિલી અને નજીકના મિત્રોએ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. બૅન્ડવાજાં, પુષ્પવર્ષા અને ફૂલોના વિશાળ હાર સાથે ફૅમિલીના સભ્યોને ભેટીને અશ્વિન ગદ્ગદ થઈ ગયો હતો.
સૌથી પહેલાં અશ્વિને પોતાનાં મમ્મી-પપ્પાના આશીર્વાદ લીધા હતા. તેમની આંખો પોતાના રિટાયર્ડ દીકરાને જોઈને સતત ભીની થઈ રહી હતી. અશ્વિને પત્ની અને દીકરીને લઈને ત્યાં હાજર મીડિયા-કર્મચારીઓ સહિત તમામ સાથે વાતચીત કરી તેમની શુભેચ્છા બદલ આભાર માન્યો હતો.
૩૮ વર્ષના આ ક્રિકેટરે કહ્યું કે ‘મને વિશ્વાસ નહોતો કે આટલા બધા લોકો અહીં આવશે. હું શાંતિથી ઘરે પહોંચીને આરામ કરવા માગતો હતો, પરંતુ તમે લોકોએ મારો દિવસ સુધારી નાખ્યો. હું આટલાં વર્ષોથી ટેસ્ટ-ક્રિકેટ રમી રહ્યો છું પરંતુ છેલ્લી વાર મેં આ પ્રકારનું વાતાવરણ ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ પછી જોયું છે. મને મારી કરીઅરથી કોઈ પ્રકારનો અફસોસ નથી.’
તેના પપ્પાએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે કદાચ અપમાન અનુભવવાને કારણે તેણે આ નિર્ણય લીધો હશે.