એક ટેસ્ટ-વેન્યુ પર બે વાર સેન્ચુરી કરીને ફાઇફર લેનાર પહેલો ક્રિકેટર બન્યો રવિચન્દ્રન અશ્વિન

23 September, 2024 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે એક ટેસ્ટ-વેન્યુ પર બે વાર સેન્ચુરી ફટકારીને ફાઇફર લેનાર પણ પહેલો ક્રિકેટર બની ગયો છે

રવિચન્દ્રન અશ્વિન

ચેન્નઈમાં જન્મેલા રવિચન્દ્રન અશ્વિને ચેન્નઈ ટેસ્ટમાં ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતવાની સાથે અનેક કીર્તિમાન પોતાને નામે કર્યાં હતાં. ૧૦૧ ટેસ્ટમાં તેણે ૬ સેન્ચુરી અને ૧૪ વાર ૫૦ પ્લસ સ્કોર કરવાની સાથે ૩૭ વાર ફાઇફર પણ લીધી છે જેના કારણે તે ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ૨૦ વાર ૫૦ પ્લસ સ્કોર કરવાની સાથે ૩૭ વાર ફાઇફર લેનાર દુનિયાનો પહેલવહેલો ક્રિકેટર બની ગયો છે. અશ્વિને ટેસ્ટ-ક્રિકેટમાં પ્લેયર ઑફ ધ મૅચ - પ્લેયર ઑફ ધ સિરીઝ મળીને કુલ ૨૦ અવૉર્ડ જીત્યા છે જેથી તે સચિન તેન્ડુલકર (૧૯ અવૉર્ડ)ને પછાડીને સૌથી વધુ ટેસ્ટ-અવૉર્ડ જીતનાર ભારતીય ખેલાડી પણ બન્યો છે.

ચેન્નઈ ટેસ્ટમાં તેણે જામનગરના દિગ્ગજ ક્રિકેટર વિનુ માંકડના બે રેકૉર્ડ તોડ્યા છે. બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લઈને તે એક ઇનિંગ્સમાં પાંચ કે એથી વધુ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય બન્યો છે. આ પહેલાં આ રેકૉર્ડ વિનુ માંકડના નામે હતો જેણે ૧૯૫૫માં પેશાવરમાં પાકિસ્તાન વિરુદ્ધ ૩૭ વર્ષ ૩૦૭ દિવસમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો. અશ્વિને ૩૮ વર્ષ બે દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. તે ટેસ્ટમાં સેન્ચુરી કરીને ફાઇફર લેનાર સૌથી ઓલડેસ્ટ ભારતીય પણ બન્યો છે. વિનુ માંકડે જૂન ૧૯૫૨માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-મૅચમાં ૧૮૪ રનની ઇનિંગ્સ રમી અને ૧૯૬ રનમાં પાંચ વિકેટ પણ લીધી હતી, જ્યારે માંકડે આવી સિદ્ધિ હાંસલ કરી ત્યારે તેની ઉંમર ૩૫ વર્ષ, બે મહિના અને ૭ દિવસ હતી.

તે એક ટેસ્ટ-વેન્યુ પર બે વાર સેન્ચુરી ફટકારીને ફાઇફર લેનાર પણ પહેલો ક્રિકેટર બની ગયો છે. આ પહેલાં તેણે ચેન્નઈમાં ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામે આવું જ પ્રદર્શન કર્યું હતું. અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ ફાઇફર લેનાર ક્રિકેટર પણ બની ગયો છે. તેણે આ ચૅમ્પિયનશિપ દરમ્યાન ૧૨મી વખત આવું કર્યું અને ઑસ્ટ્રેલિયન સ્પિનર ​​નૅથન લાયન (૧૧ વાર)નો રેકૉર્ડ તોડ્યો છે. અશ્વિને ટેસ્ટ-મૅચોમાં સૌથી વધુ ફાઇફર ઝડપનારા બોલરોની યાદીમાં ઑસ્ટ્રેલિયાના મહાન સ્પિનર ​​શેન વૉર્નની બરાબરી કરી લીધી છે. તે ૩૭ ફાઇફર સાથે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર ​​મુથૈયા મુરલીધરન (૬૭ ફાઇફર) ટોચ પર છે.

 હું બોલરની જેમ વિચારું છું અને બૅટિંગ મારા માટે સ્વાભાવિક છે. આ એક લાંબી ટેસ્ટ-સીઝન છે, મારે એક સમયે એક મૅચ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે - રવિચન્દ્રન અશ્વિન

99- આટલી વિકેટ અશ્વિને ચોથી ઇનિંગ્સમાં ઝડપી છે, ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયોમાં તેણે અનિલ કુંબલે (૯૪ વિકેટ)ને પાછળ છોડ્યો છે  

4 - આટલી વાર એક જ ટેસ્ટમાં સેન્ચુરી સાથે ફાઇફર લઈ ચૂક્યો છે અશ્વિન

ravichandran ashwin sports news sports cricket news indian cricket team test cricket