13 May, 2023 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આવતા વર્ષે રમાનારા ટી૨૦ના વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરા જોવા મળશે, એવું ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને લાગે છે અને તેમનું એવું પણ માનવું છે કે એ ટુર્નામેન્ટ માટેના ટીમ-સિલેક્શનમાં હાર્દિક પંડ્યાની મોટી ભૂમિકા હશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટી૨૦ ઇન્ટરનૅશનલના ફૉર્મેટમાંથી હજી બાદબાકી નથી કરવામાં આવી, પરંતુ ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાયેલા વિશ્વકપમાં ભારતની સેમી ફાઇનલમાં જે શૉકિંગ એક્ઝિટ થઈ એને પગલે આ બન્ને સ્ટારને ટી૨૦ ટીમથી દૂર રાખવાનું તબક્કાવાર શરૂ થઈ ગયું છે.
૨૦૨૪નો ટી૨૦ વર્લ્ડ કપ જૂનમાં વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં રમાશે અને એમાં કુલ ૨૦ ટીમ ભાગ લેશે. શાસ્ત્રીએ ઈએસપીએનની જાણીતી ક્રિકેટ વેબસાઇટને કહ્યું કે ‘મને લાગે છે કે સિલેક્ટર્સ નવી દિશામાં જોવાનું પસંદ કરશે. ટી૨૦ વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે અને આપણને આઇપીએલની આ સીઝનથી ઘણી નવી ટૅલન્ટ હાથ લાગી રહી છે. હાર્દિક ભારતની ટી૨૦ ટીમનો કૅપ્ટન બની ગયો છે. મને લાગે છે કે જો તે ફિટ હશે તો ટી૨૦ વર્લ્ડ કપમાં પણ તે જ કૅપ્ટન હશે. હું તો એવું પણ માનું છું કે ૨૦૦૭માં ધોનીના સુકાનમાં ભારતની યુવાનોના સમાવેશવાળી નવી ટીમને મોકલવામાં આવી હતી એવું હવે ૨૦૨૪ના વિશ્વકપ માટે પણ કરવામાં આવશે. એચપી (હાર્દિક પંડ્યા)એ આઇપીએલમાં તેમ જ ભારતની ટી૨૦ ટીમમાં ઘણા નવા ચહેરા જોયા છે અને એમાંના ઘણા સાથે રમ્યો પણ છે એટલે ૨૦૨૪ના વર્લ્ડ કપની ટીમના સિલેક્શનમાં તેની મોટી ભૂમિકા જોવા મળશે. તેના સિવાય બીજો કોઈ પ્લેયર સિલેક્ટર્સને ચોક્કસ આઇડિયા આપી ન શકે એટલે મને લાગે છે કે તેને જ ટી૨૦ના કૅપ્ટનપદે ચાલુ રાખવામાં આવશે.’