બ્રેબર્નમાં મુંબઈ આજે એક દાવથી જીતી શકે

05 January, 2023 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબા ઇન્દ્રજિતના સુકાનમાં તામિલનાડુની ટીમ હજી ૨૭૫ રનથી પાછળ હોવાથી આજે ત્રીજા દિવસે જ મુંબઈ એક દાવથી વિજય મેળવી શકે એમ છે

સરફરાઝ ખાન

ચર્ચગેટમાં સીસીઆઇના બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈએ મંગળવારે રણજી ટ્રોફી મૅચના પ્રથમ દિવસે તામિલનાડુ સામે ૩૯ રનની લીડ લીધા પછી ગઈ કાલે ૪૮૧ રનનો પ્રથમ દાવનો તોતિંગ સ્કોર નોંધાવ્યા પછી બીજા દાવમાં તામિલનાડુની ૬૨ રનમાં એક વિકેટ લઈ લીધી હતી. બાબા ઇન્દ્રજિતના સુકાનમાં તામિલનાડુની ટીમ હજી ૨૭૫ રનથી પાછળ હોવાથી આજે ત્રીજા દિવસે જ મુંબઈ એક દાવથી વિજય મેળવી શકે એમ છે. તામિલનાડુએ પહેલા દાવમાં ૧૪૪ રન બનાવ્યા હતા.

મુંબઈનો ઇન્ફૉર્મ બૅટર સરફરાઝ ખાન (૧૬૨ રન, ૨૨૦ બૉલ, એક સિક્સર, ૧૯ ફોર) ગઈ કાલનો હીરો હતો. તેની અને તનુશ કોટિયન (૧૧૪ બૉલમાં ૭૧ રન) વચ્ચે સાતમી વિકેટ માટે ૧૬૭ રનની ભાગીદારી થઈ હતી. જોકે તામિલનાડુ સામે મુંબઈનું આ બૅટિંગ-આક્રમણ પૂરતું ન હોય એમ છેલ્લી વિકેટ માટે ૯૨ રનની વિક્રમી ભાગીદારી ૧૦મા નંબરના બૅટર મોહિત અવસ્થી (૬૯ રન, ૯૭ બૉલ, એક સિક્સર, નવ ફોર) અને સિદ્ધાર્થ રાઉત (૩૧ અણનમ, ૬૯ બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે થઈ હતી જે તામિલનાડુની ટીમને ખૂબ નડી હતી.

અન્ય રણજી મૅચમાં શું બન્યું?

(૧) રાજકોટમાં મંગળવારે ચાર-દિવસીય રણજી મૅચના પહેલા દિવસે સૌરાષ્ટ્રએ કૅપ્ટન જયદેવ ઉનડકટની પ્રથમ ઓવરની ઐતિહાસિક હૅટ-ટ્રિક સહિત તેની કુલ આઠ વિકેટના તરખાટ સાથે દિલ્હીને ૧૩૩ રનમાં ઑલઆઉટ કર્યા બાદ ગઈ કાલે ૬ વિકેટે ૫૦૩ રન બનાવ્યા હતા, જેમાં અર્પિત વસાવડા (૧૨૭ નૉટઆઉટ, ૨૧૮ બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) અને વિકેટકીપર હાર્વિક દેસાઈ (૧૦૭ રન, ૧૩૧ બૉલ, પંદર ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં. ચિરાગ જાની (૭૫), સમર્થ વ્યાસ (૫૪) અને પ્રેરક માંકડ (૬૪)ની હાફ સેન્ચુરી પણ સૌરાષ્ટ્રને ૫૦૦નો આંકડો પાર કરાવવામાં ઉપયોગી બની હતી. દિલ્હીના હૃતિક શોકીને ત્રણ વિકેટ લીધી હતી.

(૨) વલસાડમાં પંજાબનો પ્રથમ દાવ ૨૮૬ રને પૂરો થયો હતો, જેમાં નેહલ વાઢેરા (૧૨૩ રન)નો સૌથી મોટો ફાળો હતો. ગુજરાતના ચિંતન ગજાએ પાંચ, હાર્દિક પટેલે બે, શેન પટેલે એક અને કરણ પટેલે એક વિકેટ લીધી હતી. જોકે ગુજરાતની ટીમ પેસ બોલર બલતેજ સિંહ (૨૮ રનમાં સાત વિકેટ)ના અને મયંક માર્કન્ડે (૧૯ રનમાં બે વિકેટ)ના તરખાટને કારણે પહેલા દાવમાં ફક્ત ૯૭ રનમાં ઑલઆઉટ થઈ જતાં પંજાબે ૧૮૯ રનની લીડ લીધી હતી અને પંજાબે બીજા દાવમાં ૬ વિકેટે ૧૫૬ રન બનાવી લેતાં એના કુલ ૩૪૫ રન થયા હતા. મૅચમાં હજી બે દિવસ બાકી હોવાથી પંજાબની જીત પાકી જણાય છે.

(૩) વડોદરામાં બરોડાની ટીમ ૩૫૫ રને ઑલઆઉટ થયા બાદ હિમાચલ પ્રદેશે માત્ર એક વિકેટના ભોગે ૨૨૩ રન બનાવ્યા હતા. ઓપનર પ્રશાંત ચોપડા ૧૧૧ રને નૉટઆઉટ હતો.

sports news sports cricket news ranji trophy mumbai ranji team