23 January, 2025 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્મા ત્રણ રન પર આઉટ તો છેલ્લી મૅચમાં આયુષ મહાત્રેએ સદી ફટકારી હતી (તસવીર: સોશિયલ મીડિયા)
રણજી ટ્રૉફી એલિટ કેટેગરીની મૅચ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે મુંબઈ અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની મૅચ પણ શરૂ થઈ હતી. રોહિત શર્મા 10 વર્ષ પછી આ ઘરેલુ ટુર્નામેન્ટમાં પાછો ફર્યો હોવાથી ઘણા દર્શકો પણ આ મૅચ જોવા આવ્યા હતા. જોકે, ચાહકોને તેને લાંબા સમય સુધી જોવાની તક મળી નહીં અને તે ત્રણ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં રહેલા રોહિત રણજીમાં પણ નિષ્ફળ રહેતા તેના ફૅન્સ પણ ગુસ્સે ભરાયા અને સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા મુંબઈ ટીમમાં સામેલ થતાં આયુષ મ્હાત્રે આ યુવા ખેલાડીને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો જેને લઈને પણ લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે.
આયુષને બહાર કરવાથી મુંબઈના ચાહકો નિરાશ થયા
જમ્મુ અને કાશ્મીર સામેની રણજી મૅચમાં રોહિત પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ચાહકોને લાગતું હતું કે રોહિત ઘરેલુ ક્રિકેટમાં મોટો સ્કોર કરીને ફોર્મમાં પાછો ફરશે, પરંતુ પહેલી ઇનિંગમાં આવું થઈ શક્યું નહીં. આયુષની જગ્યાએ રોહિતને પ્લેઇંગ-૧૧માં સામેલ કરવામાં આવ્યો હતો. આયુષે મુંબઈ માટે છેલ્લી રણજી મૅચમાં સદી ફટકારી હતી. તેણે સર્વિસીસ સામેની પહેલી ઇનિંગમાં 116 રન બનાવ્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મૅચ પણ બન્યો હતો. આયુષે આ સિઝનમાં રણજીમાં અત્યાર સુધીમાં નવ ઇનિંગ્સમાં 45.33 ની સરેરાશથી 408 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને એક હાફ સેન્ચુરીનો સમાવેશ છે. તે જ સમયે, તેણે વિજય હજારે ટ્રૉફીમાં મુંબઈ માટે તેની છેલ્લી મૅચમાં ૧૪૮ રન પણ બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, ચાહકોને એ ગમ્યું નહીં કે રણજીના ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ એક આઉટ ઑફ ફોર્મ ખેલાડીને બદલે એક ઇન ફોર્મ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈને સ્થાનિક ક્રિકેટ સુધી, રોહિત શર્મા એક યુવાન ખેલાડીનું સ્થાન લેવામાં સફળ રહ્યો છે. આયુષ મ્હાત્રેએ એવું કંઈ ખોટું કર્યું ન હતું જેના કારણે તેને બહાર કરવામાં આવે. આયુષ મ્હાત્રે, એક આશાસ્પદ યુવા ખેલાડી જેણે છેલ્લી રણજી મૅચ અને વિજય હજારે ટ્રૉફી મૅચમાં 100 રન બનાવ્યા હતા, પરંતુ આ છોકરાને ફક્ત એટલા માટે છોડી દેવામાં આવ્યો છે કારણ કે એક નિઃસ્વાર્થ ખેલાડી રણજી રમવા માંગે છે. તે (રોહિત) સૌથી સ્વાર્થી ક્રિકેટર છે. એવું સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીર સામે મુંબઈનો પહેલો દાવ ફક્ત ૧૨૦ રન સુધી જ સિમિત રહી ગયો, ભલે ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી હોય. યશસ્વી અને રોહિત ઉપરાંત, હાર્દિક તામોરે સાત રન બનાવીને આઉટ થયો હતી, કેપ્ટન અજિંક્ય રહાણે 12 રન બનાવીને આઉટ થયા હતા અને શ્રેયસ ઐયર 11 રન બનાવીને આઉટ થયો હતા. શિવમ દુબે અને શમ્સ મુલાની ખાતું પણ ખોલાવી શક્યા નહીં. તે જ સમયે, શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 51 રન બનાવ્યા. તનુષ કોટિયને 26 રનની ઇનિંગ રમી.