16 December, 2022 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન તેન્ડુલકર (તસવીર સૌજન્ય ગુજરાતી મિડ-ડે)
વિઝિયાનગરમમાં ગઈ કાલે મુંબઈએ નવી રણજી સીઝનની પ્રથમ મૅચ ત્રીજા જ દિવસે જીતી લીધી હતી. બીજા દાવમાં આંધ્રની ટીમ તુષાર દેશપાંડેની ત્રણ તેમ જ સિદ્ધાર્થ રાઉત તથા તનુષ કોટિયનની બે-બે વિકેટને લીધે માત્ર ૧૩૧ રન બનાવી શક્યું હતું અને મુંબઈએ ૩૯ રનનો લક્ષ્યાંક ફક્ત એક વિકેટના ભોગે મેળવી લીધો હતો. પ્રથમ દાવમાં આંધ્રના ૨૩૮ રન સામે મુંબઈના ૩૩૧ રન હતા.
ઑફ-સ્પિનર તનુષ કોટિયનને મૅચમાં કુલ ૬ વિકેટ લેવા બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. મુંબઈને આ જીત બદલ ૬ પૉઇન્ટ મળ્યા છે.
પોર્વોરિમમાં રાજસ્થાન સામે રણજીના ડેબ્યુમાં સદી (૧૨૦ રન) ફટકારીને પિતા સચિન જેવી જ સિદ્ધિ મેળવનાર અર્જુન તેન્ડુલકરે ગઈ કાલે બોલિંગમાં પણ પરચો બતાવ્યો હતો. તે લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર છે અને તેણે રાજસ્થાનની બે વિકેટ લીધી હતી. તેના બૉલમાં ચોથા ક્રમનો બૅટર સલમાન ખાન (૪૦ રન) અને મહિપાલ લોમરોર (૬૩ રન) વિકેટકીપરના હાથમાં કૅચઆઉટ થયા હતા.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું?
(૧) ગુવાહાટીમાં સૌરાષ્ટ્રએ જય ગોહિલના ૨૨૭ની મદદથી પ્રથમ દાવમાં ૪૯૨ રન બનાવીને ૨૦૬ રનની લીડ લીધા પછી આસામ એક વિકેટે ૧૧૫ રન બનાવ્યા પછી પણ ૯૧ રનથી પાછળ હતું.
(૨) કટકમાં ઓડિશા (૪૫૭) સામે બરોડા (૪૧૬/૫) ગઈ કાલે હજી ૪૧ રનથી પાછળ હતું.
(૩) અગરતલામાં ત્રિપુરાને પ્રથમ દાવમાં ૨૯૩ રનમાં આઉટ કર્યા પછી ગુજરાતે બીજા દાવમાં ૬ વિકેટે ૨૦૪ રન બનાવ્યા હતા અને કુલ ૧૮૨ રનથી આગળ હતું.
(૪) જમ્મુમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મધ્ય પ્રદેશે જમ્મુ અને કાશ્મીરને એક દાવ, ૧૭ રનથી હરાવી દીધું હતું.
(૫) પુણેમાં મહારાષ્ટ્ર બીજા દાવમાં ૩૨૪ રનમાં આઉટ થયા બાદ દિલ્હીએ સેકન્ડ ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૨૩૩ રન બનાવ્યા અને કુલ ૧૦૦ રનથી આગળ હતું.