19 February, 2023 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકેટની ઉજવણી કરતો સૌરાષ્ટ્રનો કૅપ્ટન જયદેવ ઉનડકટ
ઈડન ગાર્ડન્સમાં રમાતી રણજી ટ્રોફીની ફાઇનલના ત્રીજા દિવસે કૅપ્ટન જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયાએ બે-બે વિકેટ ઝડપતાં સૌરાષ્ટ્ર સામે બેન્ગોલે બીજી ઇનિંગ્સમાં ૧૬૯ રનમાં ચાર વિકેટ ગુમાવી છે. બેન્ગોલનો કૅપ્ટન મનોજ તિવારી ૫૭ રને નૉટઆઉટ છે. તેમ છતાં યજમાન બેન્ગોલ સૌરાષ્ટ્રની પહેલી ઇનિંગ્સના ટોટલ ૪૦૪ રન કરતાં હજી ૬૧ રન પાછળ છે. બીજી તરફ સૌરાષ્ટ્રના બન્ને ફાસ્ટ બોલરો વેધક બોલિંગ કરી રહ્યા છે. બીજી તરફ સવારે બેન્ગોલના ફાસ્ટ બોલરો સૌરાષ્ટ્રના બૅટરો સામે અસરકારક જણાતા નહોતા. એથી સૌરાષ્ટ્ર શુક્રવારે ૫ વિકેટે ૩૧૭ રનના સ્કોરને ૪૦૦નો આંક પાર કરવામાં સફળ રહ્યા હતા. અર્પિત વસાવડાએ (૮૧) અને ચિરાગ જાની (૬૦) બાદ પૂછડિયા બૅટર પ્રેરક માંકડ (૩૩) અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ (૨૯) રન કરી સૌરાષ્ટ્રની સ્થિતિ મજબૂત કરી દીધી હતી. વધુમાં બેન્ગોલે એક્સ્ટ્રા ૩૫ રન આપી દીધા હતા. હાલ શાબાઝ અહમદ (૧૫) કૅપ્ટન તિવારીને કંપની આપી રહ્યો છે. આ બન્ને કોઈ ચમત્કાર કરે તો જ બેન્ગોલ ૩૨ વર્ષ બાદ આ ટ્રોફી જીતી શકે.
.