શ્રેયસ ઐયરની સેન્ચુરીથી મુંબઈનો સ્કોર ૪૦૦ પાર, હરીફ ટીમ મહારાષ્ટ્ર હજી ૧૭૩ રન પાછળ

20 October, 2024 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી ઇનિંગ્સમાં ૧૨૬ રને ઑલઆઉટ થનાર મહારાષ્ટ્ર સામે મુંબઈ ટીમે શ્રેયસ ઐયરની સેન્ચુરીની મદદથી ૪૪૧ રનનો સ્કોર કરીને ૩૧૫ રનની જંગી લીડ મેળવી છે

સૂર્યકુમાર યાદવ સાથે સેન્ચુરીની ઉજવણી કરતો શ્રેયસ ઐયર.

રણજી ટ્રોફીની બીજી મૅચના બીજા દિવસે મુંબઈની ટીમે ૧૦૩.૧ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૪૪૧ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૨૬ રને ઑલઆઉટ થનાર મહારાષ્ટ્ર સામે મુંબઈ ટીમે શ્રેયસ ઐયરની સેન્ચુરીની મદદથી ૪૪૧ રનનો સ્કોર કરીને ૩૧૫ રનની જંગી લીડ મેળવી છે. જવાબમાં બીજા દિવસના અંતે મહારાષ્ટ્રની ટીમે ૩૧ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૪૨ રન બનાવ્યા હતા. મહારાષ્ટ્રની ટીમ હજી મુંબઈથી ૧૭૩ રન પાછળ ચાલી રહી છે.

ગઈ કાલે સવારે મુંબઈની ટીમે ત્રણ વિકેટે ૨૨૦ રનના સ્કોરથી ઇનિંગ્સ શરૂ કરી હતી. પહેલા દિવસે ૧૨૭ રને નોટઆઉટ રહેલા ૧૭ વર્ષના ઓપનિંગ બૅટર આયુષ મ્હાત્રે બીજા દિવસે ૧૭૬ રનની મોટી ઇનિંગ્સ રમીને કૅચઆઉટ થયો હતો. ગયા વર્ષે પીઠની સર્જરી કરાવનાર મુંબઈના સ્ટાર બૅટર શ્રેયસ ઐયરે ૧૯૦ બૉલમાં ૧૨ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૪૨ રન બનાવ્યા હતા. ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે નિરાશાનો સામનો કરવો પડ્યો કારણ કે તે સાત રન બનાવીને આઉટ થયો હતો. મહારાષ્ટ્રના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (૮૦ રન) અને સચિન ધાસ (૫૯ રન) મૅચમાં મહારાષ્ટ્રની વાપસી કરાવવાના શાનદાર પ્રયાસ કરી રહ્યા છે. 

ranji trophy sports sports news mumbai cricket news suryakumar yadav shreyas iyer