22 October, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ મ્હાત્રે
ગઈ કાલે મહારાષ્ટ્ર સામે ૭૪ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટીમે રણજી ટ્રોફી સીઝનની પહેલી જીત નોંધાવી છે. ૧૩ રનના સ્કોરથી શરૂઆત કરતાં મુંબઈએ ૧૩.૩ ઓવરમાં એક વિકેટના નુકસાને ૭૫ રન ફટકારીને જીત મેળવી છે. પહેલી મૅચમાં બરોડા સામે મળેલી કારમી હારમાંથી બહાર નીકળીને મુંબઈ રણજી ટ્રોફી ગ્રુપ Aની બીજી મૅચમાં મહારાષ્ટ્રને નવ વિકેટે હરાવીને જીતના ટ્રૅક પર પરત ફર્યું છે.
પહેલી ઇનિંગ્સમાં મહારાષ્ટ્રને ૧૨૬ રનમાં આઉટ કર્યા બાદ મુંબઈએ ૧૭ વર્ષના આયુષ મ્હાત્રેના ૧૭૬ રન અને શ્રેયસ ઐયરના ૧૪૨ રનની મદદથી ૪૪૧ રન બનાવ્યા હતા. મહારાષ્ટ્રે બીજા દાવમાં ૩૮૮ રન બનાવ્યા, પરંતુ એ અપૂરતા હતા. બીજી ઇનિંગ્સમાં ૧૫ રને આઉટ થનાર આયુષ મ્હાત્રે મૅચમાં કુલ ૧૯૧ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. ૨૬ ઑક્ટોબરથી મુંબઈની ટીમ ત્રિપુરા સામે ત્રીજી મૅચ રમશે.