09 February, 2025 09:39 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજે મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણે સહિત ત્રણ પ્લેયર્સની વિકેટ લઈને તરખાટ મચાવ્યો.
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે હરિયાણા અને મુંબઈ વચ્ચે ક્વૉર્ટર ફાઇનલ મૅચનો જંગ શરૂ થયો હતો. ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી મુંબઈના ટૉપના છ બૅટર્સ સસ્તામાં આઉટ થતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી, પણ શમ્સ મુલાની અને તનુષ કોટિયન જેવા ઑલરાઉન્ડર્સની જોડીએ મોટી પાર્ટનરશિપ કરીને દિવસને અંતે ટીમનો સ્કોર ૮૧ ઓવરમાં ૮ વિકેટે ૨૭૮ સુધી પહોંચાડ્યો હતો.
હરિયાણાની ટીમે ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ (૫૮ રનમાં ત્રણ વિકેટ) અને સુમિત કુમાર (૫૭ રનમાં બે વિકેટ)ની ધારદાર બોલિંગની મદદથી મુંબઈનો સ્કોર ૭.૩ ઓવરમાં ૨૫/૪ અને ૨૯.૫ ઓવરમાં ૧૧૩/૭ કરી દીધો હતો, પણ મુલાનીએ ૧૭૮ બૉલમાં ૯૧ રન અને કોટિયને ૧૫૪ બૉલમાં અણનમ ૮૫ રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. બન્ને વચ્ચે આઠમી વિકેટ માટે ૧૬૫ રનની ભાગીદારીથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ પહેલા દિવસના અંત સુધીમાં વાપસી કરવામાં સફળ રહ્યું હતું.
મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણે (૫૮ બૉલમાં ૩૧ રન), ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (પાંચ બૉલમાં નવ) અને ઇનિંગ્સનો એક માત્ર સિક્સર ફટકારનાર ઑલરાઉન્ડર શિવમ દુબે (૩૨ બૉલમાં ૨૮) જેવા અનુભવી પ્લેયર્સ પણ નિષ્ફળ રહ્યા હતા.