સેમી ફાઇનલમાં પહોંચવા સૌરાષ્ટ્રને માત્ર ૮ વિકેટની જરૂર

04 February, 2023 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે પંજાબ ૨૦૦ રન બનાવશે તો બેન્ગોલ, કર્ણાટક, મધ્ય પ્રદેશ સાથે સેમીમાં જોડાશે

પ્રતીકાત્મક તસવીર

રણજી ટ્રોફીમાં રાજકોટની પાંચ દિવસની ક્વૉર્ટર ફાઇનલમાં ગઈ કાલે ચોથા દિવસે સૌરાષ્ટ્રએ પંજાબને જીતવા માટે ૨૫૨ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ બાવન રનમાં એની બે વિકેટ લઈ લીધી હતી અને હવે અર્પિત વસાવડા ઍન્ડ કંપનીને ફક્ત ૮ વિકેટની જરૂર છે. જોકે પંજાબે બીજા માત્ર ૨૦૦ રન બનાવવાના બાકી છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના મિડલ-ઑર્ડરના બૅટર્સ અને ટેઇલએન્ડર્સ કસોટીમાંથી પાર ઊતર્યા હતા અને આજે હવે બોલર્સની પરીક્ષા છે. ત્રણ સેમી ફાઇનલિસ્ટ નક્કી થયાં ઝારખંડને ૯ વિકેટે હરાવીને બેન્ગોલે, ઉત્તરાખંડને એક દાવ અને ૨૮૧ રનથી હરાવીને કર્ણાટકે અને આંધ્રને પાંચ વિકેટે હરાવીને મધ્ય પ્રદેશે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ‍સૌરાષ્ટ્રની ટીમમાં ચાર હાફ સેન્ચુરી સૌરાષ્ટ્રની ટીમ બીજા દાવમાં પ્રેરક માંકડ (૧૩૭ બૉલમાં ૮૮ રન), અર્પિત વસાવડા (૧૪૮ બૉલમાં ૭૭ રન), ચિરાગ જાની (૧૯૧ બૉલમાં ૭૭ રન) અને પાર્થ ભુત (૬૮ બૉલમાં ૫૧ રન)ની હાફ સેન્ચુરીની મદદથી ૩૭૯ રનનો પડકારરૂપ સ્કોર નોંધાવી શકી હતી. ૧૦મા નંબરના બૅટર ચેતન સાકરિયાએ પાંચ રન બનાવ્યા હતા, પરંતુ ૪૦ બૉલની લાંબી ઇનિંગ્સ રમીને તે સાથી બૅટર્સને મદદરૂપ થયો હતો. પંજાબ વતી લેફ્ટ-આર્મ સ્પિનર વિનય ચૌધરીએ ૧૭૯ રનમાં ૭ વિકેટ લીધી હતી.

sports sports news cricket news ranji trophy