16 January, 2023 02:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જાડેજા હવે પહેલાંની જેમ દોડી શકે છે (ડાબે). ફિટનેસ મેળવવા તેણે પોતાના બંગલામાં તલવારબાજીની થોડી પ્રૅક્ટિસ પણ કરી હતી (જમણે).
ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જમણા ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ હવે આ મહિને ક્રિકેટના મેદાન પર કમબૅક કરી રહ્યો છે. ભારતીય ટીમમાં પુનરાગમન કરતાં પહેલાં તે રણજી ટ્રોફીમાં રમશે અને ફિટનેસ પુરવાર કરશે. ૨૪ જાન્યુઆરીએ ચેન્નઈમાં તામિલનાડુ સામે રમાનારી ફાઇનલ રાઉન્ડની પ્રારંભિક મૅચથી તે સૌરાષ્ટ્રની ટીમને મજબૂત બનાવશે. એલીટ કૅટેગરીના ગ્રુપ ‘બી’માં જયદેવ ઉનડકટના સુકાનમાં સૌરાષ્ટ્ર ૨૬ પૉઇન્ટ સાથે મોખરે છે અને મુંબઈ (૨૩) એના પછી બીજા સ્થાને છે. તામિલનાડુ (૮) છેક છઠ્ઠા સ્થાને છે.
૩૪ વર્ષનો જાડેજા છેલ્લે ૨૦૨૨ની ૩૧ ઑગસ્ટે દુબઈમાં હૉન્ગકૉન્ગ સામે એશિયા કપ ટી૨૦ સ્પર્ધાની મૅચમાં રમ્યો હતો. ત્યાર બાદ તેણે સપ્ટેમ્બરમાં ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું હતું. હાલમાં તે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં રિહૅબિલિટેશન સેન્ટરમાં છે. સિલેક્ટરોએ ૧૩મીએ ઑસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ-સિરીઝની પહેલી બે મૅચ માટે ૧૭ ખેલાડીઓની જે ટીમ જાહેર કરી એમાં જાડેજાનો સમાવેશ કરાયો છે. જોકે એનસીએનું ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા પછી જ તેને નાગપુરની ૯ ફેબ્રુઆરીની પ્રથમ મૅચ માટેની ટેસ્ટ-ટીમમાં સામેલ કરાશે.
આ પણ વાંચો : મુંબઈએ આસામને એના હોમગ્રાઉન્ડ પર એક ઇનિંગ્સ, ૧૨૮ રનથી હરાવ્યું
બૅટિંગ-બોલિંગ ફરી શરૂ કરી
હમણાં તો જાડેજાએ બૅટિંગ અને બોલિંગની પ્રૅક્ટિસ શરૂ કરી છે, પરંતુ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી જ તે સ્પર્ધાત્મક મૅચ રમી શકશે.
પંતની ગેરહાજરીમાં ટીમ સંતુલિત
જાડેજા ટીમ ઇન્ડિયામાં પાછો આવી જશે તો રિષભ પંતની ગેરહાજરીમાં જાડેજાને પાંચમા કે છઠ્ઠા નંબરે મોકલવાથી બૅટિંગ-ઑર્ડરમાં સંતુલન આવી શકશે. સિલેક્ટરો જાડેજાને ઇલેવનમાં પાછો સમાવવા ઉતાવળ નથી કરવા માગતા, પરંતુ તેની મૅચ-વિનિંગ ક્ષમતાને અવગણવા પણ નથી માગતા.
૨૦૧૭માં ઑસ્ટ્રેલિયા સામે જિતાડેલા
૨૦૧૭માં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની ગઈ સિરીઝમાં તેણે એ ક્ષમતા પુરવાર કરી હતી. ત્યારે ભારતે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ધરમશાલાની છેલ્લી ટેસ્ટમાં જાડેજાએ આક્રમક ૬૩ રન બનાવીને ભારતને લીડ અપાવી હતી તેમ જ મૅચમાં કુલ પાંચ વિકેટ પણ લીધી હતી. જાડેજાને કુલ પચીસ વિકેટ અને ૧૨૭ રન બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.