19 January, 2023 03:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વૈભવ રાવલ અને હિમ્મત સિંહ
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈ કાલે દિલ્હીએ રણજી ટ્રોફીની છઠ્ઠા રાઉન્ડની ગ્રુપ ‘બી’ની મૅચમાં મુંબઈ સામે ૨૩ રનની લીડ લીધી હતી. મુંબઈએ સીઝનની ત્રીજી સદી ફટકારનાર સરફરાઝ ખાનના ૧૨૫ રનની મદદથી ૨૯૩ રન બનાવ્યા ત્યાર બાદ ગઈ કાલે બીજા દિવસે દિલ્હીએ રમત બંધ રહી ત્યાં સુધીમાં ૭ વિકેટે ૩૧૬ રન બનાવ્યા હતા જેમાં લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ પ્રેમ રાવલ (૧૧૪ રન, ૧૯૫ બૉલ, ૧૬ ફોર) અને કૅપ્ટન હિમ્મત સિંહ (૮૫ રન, ૧૬૭ બૉલ, બે સિક્સર, ૭ ફોર)નાં સૌથી મોટાં યોગદાનો હતાં. મુંબઈના બોલર્સમાંથી તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી અને શમ્સ મુલાનીએ બે-બે વિકેટ અને તનુશ કોટિયને એક વિકેટ લીધી હતી. દિલ્હી આજે વધુ કેટલી લીડ લેશે એના પર મૅચના પરિણામનો આધાર રહેશે.
નાગપુરમાં ૨૦૧૮ તથા ૨૦૧૯ના ચૅમ્પિયન વિદર્ભની ટીમ બીજા દાવમાં ગુજરાતના લેફ્ટ-આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈની છ વિકેટને કારણે ૨૫૪ રનમાં ઑલઆઉટ થઈ જતાં ગુજરાતને જીતવા માત્ર ૭૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને બીજા દિવસની રમતના અંતે ગુજરાતનો સ્કોર એક વિકેટે ૬ રન હતો. વિદર્ભ પહેલા દાવમાં ચિંતન ગજા અને તેજસ પટેલની પાંચ-પાંચ વિકેટને લીધે ફક્ત ૭૪ રનમાં આઉટ થયું ત્યારે જ ગુજરાતને વિજય તરફનો માર્ગ મળી ગયો હતો. જોકે કૅપ્ટન-વિકેટકીપર હેત પટેલની ટીમે આજે ધબડકો ટાળીને આસાનીથી વિજય મેળવી લેવો પડશે.
આ પણ વાંચો : રવીન્દ્ર જાડેજાનું પાંચ મહિને કમબૅક : રણજીમાં સૌરાષ્ટ્રની ટીમ બનશે સ્ટ્રૉન્ગ
આંધ્ર સામે સૌરાષ્ટ્ર ૨૯૩ રન પાછળ : ઉદેશીની ફરી ત્રણ વિકેટ
રાજકોટમાં રણજી ટ્રોફીની ગ્રુપ ‘બી’ની મૅચમાં ગઈ કાલે બીજા દિવસે આંધ્રની ટીમ પ્રથમ દાવમાં અશ્વિન હેબ્બરના ૧૦૯ રન અને વિકેટકીપર રિકી ભુઇના ૮૦ રનની મદદથી ૪૧૫ રન બનાવી શકી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજ સિંહ ડોડિયાએ ત્રણ-ત્રણ, ચેતન સાકરિયાએ બે અને કૅપ્ટન જયદેવ ઉનડકટ તથા ચિરાગ જાનીએ એક-એક વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રએ ગઈ કાલે ૧૨૨ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શેલ્ડન જૅક્સન ૬૩ રને અને અર્પિત વસાવડા ૨૧ રને રમી રહ્યા હતા.
પૉન્ડિચેરીમાં પૉન્ડિચેરીના ૨૩૧ રનના જવાબમાં ઝારખંડે કૅપ્ટન વિરાટ સિંહના નૉટઆઉટ ૭૯ રનની મદદથી બનાવેલા ૨૫૦ રનમાં જે ત્રણ વિકેટ ગુમાવી એ ત્રણેય વિકેટ મુંબઈના ભાટિયા સમાજના લેફ્ટ-આર્મ સ્પિનર સાગર ઉદેશીએ લીધી હતી.
દેહરાદૂનમાં ઉત્તરાખંડ સામે પહેલા દાવમાં માત્ર ૮૬ રન બનાવનાર બરોડાએ ગઈ કાલે બીજા દાવમાં ૧૦૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી અને ૧૨ રનથી પાછળ હતી. ઉત્તરાખંડના પ્રથમ દાવમાં ૧૯૯ રન હતા.