ગુજરાતે ૨૯૯ રનથી પંજાબને હરાવ્યું, ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા છે

13 February, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયજિતસિંહ જાડેજાએ બન્ને ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ લઈ ટીમને જીત અપાવી

પ્રતીકાત્મક તસવીર

મોહાલી ઃ ભારતની આઇકૉનિક ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી ૨૦૨૩-’૨૪ સીઝનમાં છઠ્ઠા રાઉન્ડમાં ગુજરાત ટીમે શાનદાર પ્રદર્શન કરતાં પંજાબને ૨૯૯ રને હરાવી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. ગુજરાતની આ જીતનો હીરો પ્રિયજિતસિંહ જાડેજા રહ્યો હતો. તેણે બન્ને ઇનિંગ્સમાં ૫-૫ વિકેટ ઝડપી હતી. મહત્ત્વનું છે કે ગુજરાતે શરૂઆતની બે મૅચ જીત્યા બાદ રેલવે સામે હાર્યા બાદ ત્રિપુરા જેવી નબળી ટીમ સામે ઘરઆંગણે હાર્યા બાદ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ દેખાઈ રહ્યું હતું ત્યારે હવે ગુજરાતે છઠ્ઠા રાઉન્ડની અંતિમ મૅચ ગોવા સામે રમવાની છે. આ મૅચ પણ ગુજરાતે જીતવી જરૂરી છે.

પંજાબ સામે ગુજરાતે પહેલી બૅટિંગ કરતાં પ્રિયાંક પંચાલ (૭૭ રન) અને આદિત્ય પટેલ (૫૮ રન) વચ્ચે પહેલી વિકેટ માટે ૧૪૫ રનની ભાગીદારીની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૩૩૯ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં પ્રિયજિતસિંહ જાડેજા સામે પંજાબ ટીમના બૅટ્સમેન વામણા સાબિત થયા હતા અને પૂરી ટીમ ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. સુકાની ચિંતન ગજાએ ૩ વિકેટ ઝડપી હતી.
તો બીજી ઇનિંગ્સમાં સનપ્રિતસિંહ બગ્ગાએ ૭૯ રન કર્યા હતા અને ગુજરાતે ૮ વિકેટે ૨૯૦ રને દાવ ડિક્લેર કરીને પંજાબને ૪૧૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબના બૅટ્સમેનો બીજી ઇનિંગ્સમાં પણ પ્રિયજિતસિંહ જાડેજા સામે ટકી શક્યા નહોતા અને તેણે ૫ વિકેટ ઝડપીને પંજાબની ટીમને ૧૧૧ના સ્કોરમાં ઑલઆઉટ કરી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં પ્રિયજિતસિંહ જાડેજાએ ૫, સુકાની ચિંતન અને અર્ઝને ૨-૨ વિકેટ ઝડપી હતી.

sports news sports cricket news ranji trophy