મુંબઈ ૭૯૪ રનથી આગળ : સેમી ફાઇનલની લગોલગ

09 June, 2022 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણજી ક્વૉર્ટર ફાઇનલમાં જૈસવાલની પણ સદી

ટોચના ૯ બૅટર્સના ફિફ્ટી-પ્લસ રન : બેંગાલે રચ્યો વિશ્વવિક્રમ

બૅન્ગલોર નજીક અલુરમાં ગઈ કાલે ઉત્તરાખંડ સામેની પાંચ દિવસીય રણજી ક્વૉર્ટર ફાઇનલમાં ત્રીજા દિવસે મુંબઈએ બીજા દાવમાં ૩ વિકેટે ૨૬૧ રન બનાવ્યા હતા, જેમાં રાજસ્થાન રૉયલ્સના સ્ટાર બૅટર યશસ્વી જૈસવાલના ૧૦૩ રન, કૅપ્ટન પૃથ્વી શૉના ૭૨ રન, વિકેટકીપર આદિત્ય તરેના ૫૭ રનનો સમાવેશ હતો. પ્રથમ દાવમાં ઐતિહાસિક ૨૫૨ રન બનાવનાર સુવેદ પારકર ગઈ કાલે ૬ રને નૉટઆઉટ હતો. પ્રથમ દાવની ૫૩૩ રનની સરસાઈ ઉમેરતાં મુંબઈના ગઈ કાલે કુલ ૭૯૪ રન હતા.

મુંબઈની ટીમ પ્રચંડ સરસાઈથી વિજય મેળવવાની દિશામાં જઈ રહી છે. આ જીત સાથે મુંબઈ સેમી ફાઇનલમાં પહોંચી શકશે અને પછી ૪૨મી ટ્રોફીનો દાવો કરશે. ઉત્તરાખંડની ટીમ ગઈ કાલે પહેલા દાવમાં ફક્ત ૧૧૪ રનમાં આઉટ થઈ ગઈ હતી. મુંબઈના લેફ્ટ-આર્મ સ્પિનર શમ્સ મુલાનીએ ૩૯ રનમાં પાંચ અને મોહિત અવસ્થીએ બાવીસ રનમાં બે વિકેટ લીધી હતી. મુંબઈએ પહેલો દાવ ૮ વિકેટે ૬૪૭ રનના સ્કોર પર ડિક્લેર કર્યો હતો.

8
બેંગાલના નવમા નંબરના બૅટર આકાશ દીપના અણનમ ૫૩ રનમાં આટલી સિક્સરનો સમાવેશ હતો.

રણજી ટ્રોફીની અન્ય બે ક્વૉર્ટર ફાઇનલમાં શું બન્યું?

(૧) અલુરમાં પંજાબના ૨૧૯ રનના જવાબમાં મધ્ય પ્રદેશે રજત પાટીદારના ૮૫ રનની મદદથી ૩૯૭ રન બનાવીને ૧૭૮ રનની લીડ લીધા બાદ પંજાબે બીજા દાવમાં પાંચ વિકેટે ૧૨૦ રન બનાવ્યા છતાં મધ્ય પ્રદેશથી ૫૮ રન પાછળ હતું.
(૨) અલુરના બીજા મેદાન પર ઉત્તર પ્રદેશે કર્ણાટકને પાંચ વિકેટે હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કર્ણાટકના ૨૫૩ રનના જવાબમાં ઉત્તર પ્રદેશે ૧૫૫ રન બનાવ્યા ત્યાર પછી કર્ણાટક ૧૧૪ રન બનાવી શકતાં ઉત્તર પ્રદેશે પાંચ વિકેટે ૨૧૩ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.

ટોચના ૯ બૅટર્સના ફિફ્ટી-પ્લસ રન : બેંગાલે રચ્યો વિશ્વવિક્રમ

બૅન્ગલોરમાં ઝારખંડ સામેની રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલમાં બેંગાલે અનોખો વિશ્વવિક્રમ રચ્યો છે. બેંગાલના ટોચના નવ બૅટર્સના ફિફ્ટી-પ્લસ રન બનતાં આ રેકૉર્ડ રચાયો છે. આ પહેલાં છેક ૧૮૯૩માં ઇંગ્લૅન્ડમાં ઑસ્ટ્રેલિયન ટીમે ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ટોચના આઠ બૅટર્સની હાફ સેન્ચુરીનો રેકૉર્ડ રચ્યો હતો જે ગઈ કાલે બેંગાલે તોડ્યો હતો. બેંગાલના નવ વિક્રમાદિત્યોની યાદી આ મુજબ છે : અભિષેક રામન (૬૧), અભિમન્યુ એશ્વરન (૬૫), સુદીપકુમાર (૧૮૬), અનુષ્તુપ મજુમદાર (૧૧૭), મનોજ તિવારી (૭૩), અબિશેક પોરેલ (૬૮), શાહબાઝ અહમદ (૭૮), સુયન મોન્ડલ (૫૩ અણનમ), આકાશ દીપ (૫૩ અણનમ). બેંગાલે પહેલો દાવ ૭ વિકેટે ૭૭૩ રનના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ ઝારખંડે ૧૩૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.

sports sports news cricket news ranji trophy