06 January, 2023 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બ્રેબર્નમાં તામિલનાડુના ટ્વીન બ્રધર્સ બાબા અપરાજિત (ડાબે) અને સેન્ચુરી ફટકારનાર બાબા ઇન્દ્રજિત. તસવીર એ.એફ.પી.
બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈને ચાર-દિવસીય રણજી મુકાબલામાં ત્રીજા દિવસે તામિલનાડુને બીજા દાવમાં મુસીબતમાં મૂકીને એક દાવથી જીતવાનો સારો મોકો હતો, પરંતુ બાબા ઇન્દ્રજિત (૧૦૩ રન, ૧૫૯ બૉલ, સાત ફોર)ની કૅપ્ટન્સ ઇનિંગ્સને લીધે તામિલનાડુ મુશ્કેલીમાંથી બચી ગયું હતું. જોકે તેને પ્રદોશ પૉલ (૧૦૭ નૉટઆઉટ, ૧૮૧ બૉલ, એક સિક્સર, દસ ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો અને બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે ૧૩૧ રનની ભાગીદારી થઈ હતી. ઓપનર સાઇ સુદર્શને ૬૮ રન બનાવ્યા હતા અને ઑલરાઉન્ડર વિજય શંકર ૪૩ રને રમી રહ્યો હતો. તામિલનાડુએ બીજા દાવમાં ૪ વિકેટે ૩૮૦ રન બનાવ્યા હતા. મુંબઈની ૩૩૭ રનની લીડ ઉતાર્યા પછી તામિલનાડુની ટીમ ૪૩ રનથી આગળ હતી. મુંબઈના બોલર્સમાં તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, શમ્સ મુલાની અને તનુશ કોટિયનને એક-એક વિકેટ મળી હતી. આજે છેલ્લા દિવસે કોઈ પણ પરિણામ શક્ય છે. જોકે મૅચ ડ્રૉ જવાની વધુ સંભાવના છે.
ઈશ્વરનની પોતાના જ સ્ટેડિયમમાં બેનમૂન ઇનિંગ્સ
દેહરાદૂનમાં બેંગાલના અભિમન્યુ ઈશ્વરને (૧૬૫ રન, ૨૮૭ બૉલ, એક સિક્સર, ૧૪ ફોર) ઉત્તરાખંડ સામેની મૅચમાં મંગળવારના પ્રથમ દિવસે સદી ફટકારીને ૧૪૧ રને નૉટઆઉટ રહ્યા બાદ તે ૧૬૫ રનના સ્કોરે આઉટ થયો હતો. તે અભય નેગીના બૉલમાં વિકેટકીપર આદિત્ય તરેના હાથમાં કૅચઆઉટ થયો હતો. ઈશ્વરન ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો, પરંતુ તેને માટે આ ઇનિંગ્સ યાદગાર ગણાશે. એનું કારણ એ છે કે તેના પિતાએ દેહરાદૂનમાં પુત્રના જ નામે અભિમન્યુ ક્રિકેટ ઍકૅડેમી તરીકે ઓળખાતું આ સ્ટેડિયમ બનાવ્યું છે. ગઈકાલે ઈશ્વરન બીજા દાવમાં અણનમ ૨૪ રન બનાવ્યા હતા.
સૌરાષ્ટ્રનો એક દાવથી વિજય : પંજાબ સામે ગુજરાતનો ૩૮૦ રનથી પરાજ્ય
(૧) રાજકોટમાં ગઈ કાલે ત્રીજા દિવસે સૌરાષ્ટ્રએ પ્રથમ દાવ ૮ વિકેટે બનેલા ૫૭૪ રનના સ્કોર પર ડિક્લેર કરીને ૪૪૧ રનની લીડ લીધા બાદ બીજા દાવમાં દિલ્હીને માત્ર ૨૨૭ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. એ સાથે સૌરાષ્ટ્રનો એક દાવ અને ૨૧૪ રનથી વિજય થયો હતો.
(૨) વલસાડમાં ગુજરાત સામે પંજાબે ૩૮૦ રનથી વિજય મેળવ્યો હતો. ગુજરાત પ્રથમ દાવના ૯૭ રન બાદ ગઈ કાલે બીજા દાવમાં ૫૧૯ રનના લક્ષ્યાંક સામે ફક્ત ૧૩૮ રને ઑલઆઉટ થઈ ગયું હતું. પંજાબના પેસ બોલર બલતેજ સિંહે પહેલા દાવની સાત વિકેટ બાદ ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ લીધી હતી.
(૩) વડોદરામાં પહેલા દાવમાં બરોડાના ૩૫૫ રન પછી ગઈ કાલે હિમાચલ પ્રદેશના ૮ વિકેટે ૫૫૬ રન હતા. બરોડાના નિનાદ રાઠવાએ ચાર અને ભાર્ગવ ભટ્ટે ત્રણ વિકેટ લીધી હતી. હિમાચલની ટીમ ૨૦૧ રનથી આગળ હતી.