21 December, 2022 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીકેસીમાં ગઈ કાલે યશસ્વીએ ૧૬૨ બનાવ્યા હતા. તસવીર અતુલ કાંબળે
રણજી ટ્રોફીમાં લીગ રાઉન્ડના બીજા તબક્કામાં ગઈ કાલે એલીટ ગ્રુપમાં મુંબઈ અને બરોડાની ટીમ પોતપોતાની ચાર-દિવસીય મૅચમાં પહેલા જ દિવસે મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈએ હૈદરાબાદ સામે ત્રણ વિકેટે ૪૫૭ રન બનાવ્યા હતા, જેમાં યશસ્વી જૈસવાલ (૧૬૨ રન, ૧૯૫ બૉલ, એક સિક્સર, ૨૭ ફોર) અને કૅપ્ટન અજિંક્ય રહાણે (૧૩૯ નૉટઆઉટ, ૧૯૦ બૉલ, બે સિક્સર, ૧૮ ફોર)ની સદીનો સમાવેશ હતો. સૂર્યકુમાર યાદવ (૯૦ રન, ૮૦ બૉલ, એક સિક્સર, પંદર ફોર) ૧૦ રન માટે સદી ચૂકી ગયો હતો. ઓપનર પૃથ્વી શૉ ૧૯ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ સરફરાઝ ખાન ૪૦ રને રમી રહ્યો હતો.
વડોદરામાં હરિયાણા સામે બરોડાએ જ્યોત્સનીલ (૧૮૬ નૉટઆઉટ, ૨૪૩ બૉલ, બે સિક્સર, ૨૩ ફોર) અને પ્રત્યુશ કુમાર (૧૧૦ રન, ૧૮૨ બૉલ, એક સિક્સર, ૧૩ ફોર)ની ૨૩૪ રનની ભાગીદારીની મદદથી બે વિકેટે ૩૭૦ રન બનાવ્યા હતા.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું?
૧. અમદાવાદમાં જમ્મુ અને કાશ્મીર સામે ગુજરાતે ૬ વિકેટે ૨૬૭ રન બનાવ્યા હતા, જેમાં સૌરવ ચૌહાણના સૌથી વધુ ૭૩ રનનો સમાવેશ હતો.
૨. રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે મહારાષ્ટ્રએ નૌશાદ શેખના અણનમ ૯૩ રન, ઋતુરાજ ગાયકવાડના ૬૫ રન અને કૅપ્ટન અંકિત બાવણેના અણનમ ૬૧ રનની મદદથી બે વિકેટે ૨૫૩ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રના ચિરાગ જાની અને દેવાંગ કરમતાએ એક-એક વિકેટ લીધી હતી.
૩. દિલ્હીમાં પંજાબ-રેલવે મૅચમાં પહેલા જ દિવસે કુલ ૧૭ વિકેટ પડી હતી. પંજાબ ૧૬૨ રનમાં ઑલઆઉટ થયા પછી રેલવેએ ૭૭ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી.