24 December, 2022 02:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અર્પિત વસાવડા
રણજી ટ્રોફીમાં ગુરુવારે મુંબઈની હૈદરાબાદ સામેની એક દાવની જીત સાથે કેટલીક મૅચોનાં હાર-જીતનાં પરિણામ આવ્યાં હતાં, પરંતુ ગઈ કાલે ચોથા અને છેલ્લા દિવસે ઘણી મૅચો ડ્રૉ ગઈ હતી. રાજકોટમાં સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્રની મૅચમાં એક ઇનિંગ્સ પણ પૂરી નહોતી થઈ અને મૅચ ડ્રૉમાં પરિણમી હતી. સૌરાષ્ટ્રએ ચાર રનની નજીવી લીડ લીધી હતી અને ત્રણ પૉઇન્ટ મેળવ્યા હતા તથા મહારાષ્ટ્રને એક પૉઇન્ટ મળ્યો હતો.
મહારાષ્ટ્રના ૪૯૩ રનના જવાબમાં સૌરાષ્ટ્રએ ૭ વિકેટે ૪૯૭ રન બનાવ્યા હતા. કૅપ્ટન અર્પિત વસાવડા (અણનમ ૧૨૭)એ સદી કરી હતી, પરંતુ સમર્થ વ્યાસ (૯૩ રન, ૧૫૩ બૉલ, બે સિક્સર, અગિયાર ફોર) સાત રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો. વિકી ઓસ્ટવાલના બૉલમાં વિકેટકીપર સૌરભ નવાલેએ તેને સ્ટમ્પ-આઉટ કર્યો હતો. સૌરાષ્ટ્રના શેલ્ડન જૅક્સને ૮૧ તથા હાર્વિક દેસાઈએ ૭૮ રન બનાવ્યા હતા.
વડોદરામાં બરોડા-હરિયાણાની મૅચ ડ્રૉમાં પરિણમી હતી. બરોડાના ૬૧૫ રનના જવાબમાં હરિયાણાએ પ્રથમ દાવમાં ૨૭૮ અને ફૉલો-ઑન બાદ બીજા દાવમાં ૧૮ વર્ષના યુવરાજ સિંહના ૯૪ રનની મદદથી ૯ વિકેટે ૪૦૪ રન બનાવ્યા હતા.