31 December, 2022 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીકેસીમાં ગઈ કાલે વિજેતા સૌરાષ્ટ્રની ટીમ (તસવીર : આશિષ રાજે)
ચાર દિવસની રણજી મૅચમાં ગઈ કાલે બીકેસીમાં સૌરાષ્ટ્રએ મુંબઈને ૪૮ રનથી હરાવીને રોમાંચક મુકાબલો જીતી લીધો હતો. મુંબઈ ૨૮૦ રનના ટાર્ગેટ સામે ૨૩૧ રનમાં આઉટ થઈ ગયું હતું.
મુંબઈની માત્ર બે વિકેટ પડવાની બાકી હતી. ૨૧૮ રન પરથી દાવ ગઈ કાલે ફરી શરૂ થયો હતો અને ગણતરીની મિનિટોમાં પૂરો થઈ ગયો હતો. સૌરાષ્ટ્રના ધર્મેન્દ્રસિંહ જાડેજાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તેણે મૅચમાં કુલ છ વિકેટ લેવા ઉપરાંત બીજા દાવમાં ૯૦ રન બનાવ્યા હતા.સૌરાષ્ટ્રને છ પૉઇન્ટ મળ્યા છે.
વડોદરામાં બરોડાએ ઉત્તર પ્રદેશને ૪ વિકેટે હરાવ્યું હતું. બરોડાએ ૧૮૭ રનનો લક્ષ્યાંક ૬ વિકેટે ૧૮૯ રનના સ્કોર સાથે મેળવી લીધો હતો. એમાં સાશ્વત રાવતના સૌથી વધુ ૬૮ રન હતા. બરોડાને પણ છ પૉઇન્ટ મળ્યા છે. નિનાદ રાઠવાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તેણે પ્રથમ દાવમાં ૧૦૨ રન અને બીજા દાવમાં અણનમ ૪૦ રન બનાવવા ઉપરાંત મૅચમાં કુલ ૬ વિકેટ લીધી હતી.
અમદાવાદમાં ગુજરાતે ચંડીગઢને એક દાવ અને ૮૭ રનથી હરાવ્યું હતું. સાત પૉઇન્ટ લેનાર ગુજરાતે ચંડીગઢને બીજા દાવમાં ૨૦૫ રનમાં આઉટ કરી દીધું હતું. અણનમ ૨૫૭ રન બનાવનાર ગુજરાતના કૅપ્ટન પ્રિયાંક પંચાલને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
વિઝિયાનગરમમાં મહારાષ્ટ્રએ આંધ્રને ૧૩૧ રનથી હરાવ્યું હતું.