05 February, 2023 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્થ ભૂતે ૮૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી
ઑલરાઉન્ડર પાર્થ ભૂતે ૮૯ રનમાં લીધેલી પાંચ વિકેટને કારણે સૌરાષ્ટ્ર મૅચમાં પાંચમા અને છેલ્લા દિવસે પંજાબને ૭૧ રનથી હરાવીને રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં લેફ્ટ આર્મ સ્પિનરે પહેલી ઇનિંગ્સમાં સદી અને બીજી ઇનિંગ્સમાં ૫૧ રન કર્યા બાદ પંજાબના મિડલ ઑર્ડરની હાલત બગાડી મૂકી હતી. તેણે ૮૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
૨૫૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પંજાબે બાવન રનમાં બે વિકેટ ગુમાવી હતી. ગઈ કાલે તેમને ૨૦૦ રનની જરૂર હતી. પુખરાજ માને ૧૧૯ બૉલમાં ૪૨ રન કરીને મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ તેની વિકેટ પડતાં પતનની શરૂઆત થઈ હતી. તેની વિકેટ યુવરાજસિંહ દોઢિયાએ લીધી હતી. પંજાબના કૅપ્ટન મનદીપ સિંહે પણ સંઘર્ષ કરતાં ૪૫ રન કર્યા હતા, પરંતુ તેને કોઈ પણ બૅટર્સનો સાથ મળ્યો નહોતો. સૌરાષ્ટ્રની ટીમ ૮મી ફેબ્રુઆરીના રોજ કર્ણાટક સામે સેમી ફાઇનલમાં ટકરાશે.